વડોદરા : વિશ્વામિત્રી પહોળી અને ઊંડી કરતા નદીમાંથી પાણીનો નિકાલ સરળ બન્યો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત પણે વિશ્વામિત્રી પ્રોજેક્ટની જે કામગીરી કરવામાં આવી છે, તેમાં નદીને પહોળી અને ઊંડી કરવાથી ચોમાસાના પ્રથમ તબક્કામાં પાણી સરળતાથી નીકળી ગયું છે તેમ કોર્પોરેશનનું કહેવું છે. આજવા સરોવર અને તેના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજવા સરોવરમાં પણ સપાટી ઝડપભેર વધી હતી. જ્યારે પ્રતાપપુરા સરોવરમાંથી પાણી નદી તરફ છોડવામાં આવ્યું હતું અને 1100 ક્યુસેક પાણી રહ્યું હતું. સામાન્ય સંજોગોમાં આટલું પાણી હોય તો વિશ્વામિત્રીમાં આશરે 15 ફૂટ જેટલું લેવલ થઈ જાય, પરંતુ આ વખતે નદી પહોળી અને ઊંડી કરવાથી 12 ફૂટ સુધી લેવલ થઈ શક્યું હતું અને પાણી નીકળી ગયું હતું.
દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીમાં પણ પાણીનો નિકાલ થઈ ગયો હતો. કોર્પોરેશને નેશનલ હાઇવે ઓથોરિટીને કામગીરી જે ચાલુ છે તે પૂર્ણ કરવા જણાવતા એક અઠવાડિયામાં બે ત્રણ જગ્યાએ જે કામ બાકી છે તે પૂર્ણ થતાં પૂર્વથી પશ્ચિમનો પાણીનો ફલો બહાર ઝડપથી નીકળી જશે .આજવા સરોવર માં ડ્રેજીંગ કરવાથી તે ઊંડું થતાં તેમાં હાલની સ્થિતિએ 16,517 મિલિયન લીટર પાણીનો સંગ્રહ થયો હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનના કહેવા મુજબ વિશ્વામિત્રી પ્રોજેક્ટ લાંબા ગાળાનો છે, અને હજી તો તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રોજેક્ટ તેના વિવિધ તબક્કાની કામગીરી પૂર્ણ કરતા ત્રણ ચાર વર્ષ સુધી ચાલશે.