Gujarat

વડોદરામાં કારેલીબાગની જેમ લાલબાગ ટાંકીના કમાંડ વિસ્તારમાં પણ પાણીનો કકડાટ

By GS TEAM
12 Aug 20252 mins read
TukuTouch Logo
મહી નદીથી પાણી ઓછું મળતા તકલીફ આજથી થોડું પ્રેશર સુધર્યું પણ તે કેટલો સમય રહેશે તે સવાલ છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં કારેલીબાગની જેમ લાલબાગ ટાંકીના કમાંડ વિસ્તારમાં પણ પાણીનો કકડાટ

Vadodara Water Shortage : વડોદરા શહેરમાં હાલ કારેલીબાગ વિસ્તારમાં પાણીની રામાયણ ઉભી થઈ છે, તે જ રીતે શહેરના લાલબાગ ટાંકીના કમાંડ વિસ્તારમાં પણ પાણી ઓછા પ્રેશરથી અને અપૂરતું મળતું હોવાથી તહેવારોના દિવસોમાં લોકોની હાડમારીમાં વધારો થયો છે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ આ તકલીફ છેલ્લા 15 દિવસથી ઉભી થઈ છે. મહીસાગરથી પાણીની આવક પંપો ઓછા ચાલતા હોવાથી અપૂરતી છે, જેના કારણે અંડરગ્રાઉન્ડ સંપ ચાર ફૂટ જેટલો ખાલી રહે છે. લાલબાગ ટાંકીના કમાંડ વિસ્તારમાં છ ઝોનમાં એટલે કે માંજલપુર, સિંધવાઈ માતા રોડ, નવાપુરા, એસઆરપી વગેરે વિસ્તારમાં આશરે ત્રણ લાખની વસ્તીને સામાન્ય રીતે 45 મિનિટ બદલે 20 મિનિટના કાપ સાથે પાણી મળે છે, અને તેમાં પણ પ્રેશર પૂરતું હોતું નથી. છેલ્લા કેટલાક દિવસોથી તો માંડ 25 મિનિટ જેટલું જ પાણી મળતું હતું. કમિશનરને આ અંગે પત્ર લખીને રજૂઆત કરતા આજથી થોડું પ્રેશર સુધર્યું છે ,પરંતુ આ સુધારો ક્યાં સુધી રહેશે તે સવાલ છે. અગાઉ લાલબાગ ટાંકીમાં મહી નદીથી પાણી ઓછું મળે તો આજવાથી પાણીની એક લાઈન નાખેલી હતી તે પણ કામ કરતી નથી. લાલબાગ ટાંકી શહેરના છેવાડાના વિસ્તારમાં હોવાથી આગળના ભાગની આવેલી ટાંકીમાંથી પાણી વધુ લઈ લેવાતા અહીં પાણીનો જથ્થો પૂરતો મળતો નથી. હવે ગણપતિ મહોત્સવ, નવરાત્રીના તહેવારોની સિઝન આવી રહી છે, ત્યારે પાણીનું પ્રેશર નહીં સુધારવામાં આવે તો ટાંકી ખાતે ધરણા કરવાની તેમણે ચીમકી આપી હતી.