Get The App

નંદેસરીને જોડતો બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા અસંખ્ય લોકો પરેશાનીમાં મુકાયા : વાહનચાલકોના સમય અને ઇંધણનો વ્યય

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
નંદેસરીને જોડતો બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા અસંખ્ય લોકો પરેશાનીમાં મુકાયા : વાહનચાલકોના સમય અને ઇંધણનો વ્યય 1 - image

Vadodara : રણોલી નજીક મીની નદી પરનો 50 વર્ષ જૂનો બ્રિજ મજબૂતાઈ રિપોર્ટ બાદ પહેલા ભારે વાહનો માટે અને ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી લાઇટ વ્હિકલ માટે પણ બંધ કરી દેવાયો છે. બ્રિજ બંધ થતાં નંદેસરી રેલવે ફાટક અથવા અનગઢના રામપુરા માર્ગે 4–5 કિમીનો વધારાનો ચક્કરાવો અને સમય-ઇંધણનો વ્યય થઈ રહ્યો છે. અનગઢના કાચા રસ્તેથી ભારદારી વાહનો જતા ગ્રામજનોમાં અકસ્માતનો ભય ઉભો થયો છે.

 વડોદરા શહેરના છેવાડે રણોલી નજીક મીની નદી પર નંદેસરીને જોડતો બ્રિજ આવેલો છે. બ્રિજ 50 વર્ષ જૂનો હોવાથી બે વર્ષ અગાઉ બ્રિજની મજબૂતાઈની ચકાસણી હાથ ધરાતા રિપોર્ટમાં ભારદારી વાહનો માટે બ્રિજ બંધ કરવાની સૂચના હતી. જેથી બ્રિજ પર બેરીકેડ મૂકી ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો. અને લાઈટ વ્હિકલની અવરજવર યથાવત રાખી હતી. પરંતુ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ લાઇટ વ્હિકલની અવરજવર પર રોક લગાવી બ્રિજ સંપૂર્ણપણે બંધ કર્યો હતો. જેના કારણે વાહનચાલકોને નંદેસરી રેલવે ફાટક અથવા અનગઢ ગામના રામપુરા થઈને અવરજવર કરવાની નોબત આવી છે. જેના કારણે અંદાજે ચારથી પાંચ કિલોમીટરનો ચકરાવો થવા સાથે અડધો કલાકનો સમય અને ઇંધણનો વ્યય થઈ રહ્યો છે. અનગઢ ગામનો કાચા રસ્તાથી ભારદારી વાહનો પસાર થતા ગ્રામજનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જેથી ગ્રામજનો પણ ભારધારી વાહનોના પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે કંપની સંચાલકો અને કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રેનો પસાર થવાના કારણે રેલવે ફાટક અવારનવાર બંધ થતી હોવાથી તેમજ રામપુરાનો રસ્તો કાચો હોવાથી વાહનચાલકોની મુશ્કેલી વધી છે. 

બ્રિજ નીચેથી પાઇપલાઇનો પસાર થતી હોવાથી કામગીરી રોકાઈ 

બ્રિજ બનાવવા માટે શરૂઆતમાં 14 કરોડનું ટેન્ડર 10 ટકા વધારા સાથે મંજુર થયું હતું. આ બ્રિજ બનાવવા માટે પેટ્રોકેમિકલ કોમ્પલેક્ષ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને નંદેશરી જીઆઇડીસી એસોસિએશનના ખર્ચે બનાવવાની સહમતિ થઈ હતી. પરંતુ વિશ્વામિત્રી નદીનું પાણી ડાયવર્ટ કરી મિનિટ નદી તરફ વાળવાની ચર્ચાઓના કારણે મીની નદીનો બ્રિજ ઉંચો કરવા ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરતા 34 કરોડનો બ્રિજ થઈ રહ્યો હતો. જોકે, વિશ્વામિત્રી નદીનું પાણી મીની નદીમાં ડાયવર્ટ કરવાનો કોઈ ઉલ્લેખ ન હોય આખરે અગાઉ 14 કરોડના ખર્ચે મંજૂર થયેલ ટેન્ડર મુજબ કામ આગળ વધ્યું હતું. જોકે બ્રિજની નીચે રિલાયન્સ, આઈઓસી, જીએસએફસીને ઉપયોગી ગેસ,પાણી અને યુટીલીટીની પાઇપલાઇનો પસાર થતી હોવાથી કામગીરી ઉપર બ્રેક લાગી છે.

મેજર કોલ સમયે ઇમર્જન્સી વાહનોને સમસ્યા થઈ શકે

નંદેસરી જીઆઇડીસીમાં અવારનવાર આગના બનાવો બને છે. દુર્ઘટના સમયે વડોદરા તંત્રનો  સહયોગ રહે છે. હાલ મીની નદીનો બ્રિજ બંધ હોવાથી નંદેશરીમાં કોઈ દુર્ઘટના થાય તો ઇમર્જન્સી વ્હીકલો સરળતાથી પહોંચી શકે તેમ નથી. જેથી મોટી જાનહાનિ થવાની શક્યતા ને પણ નકારી શકાય તેમ નથી.

મુખ્યમંત્રી ,નાયબ મુખ્યમંત્રી અને આરએન્ડબી વિભાગને રજૂઆત કરાઈ

નંદેશરી એસોસિએશનના ચેરમેનનું કહેવું છે કે, મીની નદીનો બ્રિજ બંધ થતાં અને નવો બ્રિજ બનવામાં વિલંબથી કંપનીના કર્મચારીઓ અને ગ્રામજનો છેલ્લા બે વર્ષથી પરેશાન થઈ રહ્યા છે. બ્રિજ વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ બ્રિજ નીચેની પાઇપલાઇનોના ડાયવર્ઝન માટે મિટિંગનો દોર ચાલતા સમયનો વ્યય થઈ રહ્યો છે. કામગીરી વહેલી તકે શરૂ થાય તે માટે મુખ્યમંત્રી ,નાયબ મુખ્યમંત્રી અને આરએન્ડબી વિભાગને રજૂઆત કરી છે.