Get The App

વડોદરાના વેપારીઓ-ઉદ્યોગપતિઓમાં આક્રોશ: લોલીપોપ જેવા પેકેજ માટે સરકાર માંગે છે 18 પ્રકારના પુરાવા

Updated: Sep 13th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરાના વેપારીઓ-ઉદ્યોગપતિઓમાં આક્રોશ: લોલીપોપ જેવા પેકેજ માટે સરકાર માંગે છે 18 પ્રકારના પુરાવા 1 - image


Flood Assistance Package in Vadodara : રાજ્ય સરકારે વડોદરામાં પૂરથી થયેલા નુકસાન બાદ રાહત પેકેજ તો જાહેર કર્યું છે પણ તેની સામે વેપારી આલમ અને ઉદ્યોગ જગતમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓ અને ઉદ્યોગો માટે આ પેકેજ લોલીપોપ જેવું હોવાનું સંગઠનો કહી રહ્યા છે.

આ મુદ્દે વડોદરાના વેપારી સંગઠનો વેપાર વિકાસ એસોસિએશન, મધ્ય ગુજરાત વેપારી મંડળ, હાથીખાના ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશન તેમજ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર્સ ગૂડસના વેપારીઓના સંગઠન, ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા વીસીસીઆઈ એમ પાંચ સંગઠનોના પ્રતિનિધિઓની એક બેઠક  વીસીસીઆઈની ઓફિસમાં મળી હતી.જેમાં સહાય પેકેજની સામે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.

બેઠકમાં હાજર પ્રતિનિધિઓએ કહ્યું હતું કે, પૂરના કારણે વેપારીઓને થયેલા નુકસાનના સર્વેમાં વેપારી આલમના પાંચ પ્રતિનિધિઓને સામેલ કરવાની માગણી સરકારે સ્વીકારી નથી. આ ઉપરાંત પાંચ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા અને દુકાનનું પાકુ બાંધકામ હોય તેવા વેપારીઓને 85000ની ઉચ્ચક સહાય આપવાનું નક્કી કરાયું છે. જોકે તેમાં પણ વેપારીને 18 પ્રકારના દસ્તાવેજો રજૂ કરવાના છે. સહાયની રકમ પણ ઓછી છે. કારણકે પૂરગ્રસ્ત દુકાનોમાં સરેરાશ પાંચ થી દસ લાખનું નુકસાન છે.

વડોદરાના વેપારીઓ-ઉદ્યોગપતિઓમાં આક્રોશ: લોલીપોપ જેવા પેકેજ માટે સરકાર માંગે છે 18 પ્રકારના પુરાવા 2 - image

વેપાર વિકાસ એસોસિએશનના પરેશ પરીખે કહ્યું હતું કે, પાંચ લાખથી વધારે ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને તો માત્ર લોનના વ્યાજમાં પણ માફી છે. આ પરિપત્ર વેપારીઓ સાથે મજાક સમાન છે.આ મુદ્દે અમે આગામી દિવસોમાં સંયુક્ત રીતે રજૂઆત કરવાના છે.

- ઉદ્યોગોનો તો પેકેજમાં ઉલ્લેખ સુધ્ધાં નહી, કમસેકમ પાયાની સુવિધા તો આપો 

વીસીસીઆઈના પ્રતિનિધિ અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલે કહ્યું હતું કે, પેકેજમાં ઉદ્યોગોનો તો ઉલ્લેખ સુધ્ધાં નથી. ઉદ્યોગોને પણ પૂરના કારણે નુકસાન થયું છે. ઉદ્યોગોને સરકાર મદદ કરે તેવી અમારી આશા નથી પણ મકરપુરા જીઆઈડીસી સહિતની જીઆઈડીસીઓમાં  રોડ, ગંદકી જેવા પાયાના પ્રશ્નોનો ઉકેલ તો લાવે..જીઆઈડીસીઓમાં મોટાભાગના રોડ પર પડેલા ખાડાઓના કારણે ઉદ્યોગોને માલ સામાન સપ્લાય કરતા ભારદારી વાહનો ચલાવવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. સરકારમાંથી કોઈ જીઆઈડીસીઓની પૂર બાદ શું સ્થિતિ છે તે જોવા માટે પણ આવ્યું નથી.

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય: વડોદરાના પૂરગ્રસ્તો માટે 5000થી માંડીને 85,000 સુધીની રોકડ સહાય જાહેર

Tags :