Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા અપાતી વિવિધ સગવડો અંગે શહેરીજનો વેરા ભરતા હોય છે. જેમાં ચૂક થતા પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઇન્દોરમાં પાણીજન્ય રોગચાળાથી અનેક નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે, ત્યારે વડોદરાના વોર્ડ નં. ૨માં છેલ્લા છ મહિનાથી ગટરનું ગંધાતું અને કાળું પાણી મળી રહ્યું છે છતાં પણ પાલિકા તંત્રની ઊંઘ ઊડતી નથી. આ સમસ્યા અંગે સ્થાનિક તમામ ચારેય કોર્પોરેટરો જાણતા હોવા છતાં પણ આંખ આડા કાન કરે છે. જ્યારે સ્થાનિકોની ફરિયાદ તંત્રના બહેરા કાલે સંભળાતી નહિ હોવાના આક્ષેપો કરી સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ મળે છે પરંતુ બદલામાં જુદા-જુદા વેરાની વસુલાત કરે છે. આમ છતાં પણ કેટલીય પ્રાથમિક સુવિધા યોગ્ય પ્રમાણમાં મળતી નથી જેમાં ચોખ્ખું પાણી, રોડ, રસ્તા, સહીત અન્ય સુવિધા મુખ્ય છે. દરમિયાન શહેરના વોર્ડ નં. 2માં છેલ્લા છ મહિનાથી ગટરનું દુર્ગંધ મારતું કાળું પાણી મળી રહ્યું છે. આ અંગે સ્થાનિકો છેલ્લા છ મહિનાથી તંત્ર સમક્ષ ફરિયાદો કરીને થાક્યા છે. કેટલાય લોકો મકાનો ખાલી કરીને અન્ય જગ્યાએ જતા રહ્યા છે. આવી ગંભીર સમસ્યા અંગે પાલિકા તંત્ર આ વિસ્તારની મુલાકાત અવારનવાર કરે છે પરંતુ સમસ્યાનો કોઈ યોગ્ય નિકાલ આવતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં સ્વચ્છ શહેર તરીકે નામના મેળવનાર ઈન્દોર ખાતે ગટરના ગંદા પાણીજન્ય રોગચાળાથી કેટલાય નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઇન્દોર ખાતે પણ ગંદા પાણીની સમસ્યામાં ડ્રેનેજનું ગંદુ પાણી પીવાની લાઈન સાથે મિક્સ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આવી કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ અધિકારીઓને સતત મોનિટરિંગ કરવા સૂચના આપે છે તેમ છતાં વહીવટી તંત્ર યોગ્ય કામગીરી કરતું નથી. આ વિસ્તારના તમામ ચારેય કોર્પોરેટરો પણ સ્થાનિક લોકોની આ સમસ્યાથી પરિચિત છે છતાં પણ આંખ આડા કાન સતત કરતા રહે છે. સ્થાનિકો ફરિયાદ કરે ત્યારે તંત્ર દ્વારા પાણીની ટેન્કરો મોકલીને સંતોષ માનવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે.


