Get The App

રાવપુરા પીપળેશ્વર હનુમાનજી મંદિરમાં ચોરી: અજાણ્યો તસ્કર રૂ.27 હજારના ચાંદીના આભૂષણો લઈ ફરાર

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
રાવપુરા પીપળેશ્વર હનુમાનજી મંદિરમાં ચોરી: અજાણ્યો તસ્કર રૂ.27 હજારના ચાંદીના આભૂષણો લઈ ફરાર 1 - image

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં સરકારી પ્રેસની સામે આવેલા પીપળેશ્વર હનુમાનજી મંદિરમાંથી અજાણ્યા તસ્કરે ચાંદીના આભૂષણોની ચોરી કરી ફરાર થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ફરિયાદના આધારે રાવપુરા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના રાવપુરા વિસ્તારમાં આનંદપુરા ખાતે રહેતા ઉત્સવ સપકાલ પોતાના મોહલ્લામાં આવેલ સાતીઆસરા માતાના મંદિર તથા પીપળેશ્વર હનુમાનજી મંદિરમાં નિયમિત દર્શન માટે જાય છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈ તા. 10 જાન્યુઆરીએ વહેલી સવારે સાતીઆસરા માતાજીના મંદિરમાં એક અજાણ્યો તસ્કર પ્રવેશી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન વિસ્તારમાં રહેતા ફતેસિંહ ચૌધરીએ ઘટનાને નજરે જોઈ શોર મચાવતા તસ્કર નાસી છૂટ્યો હતો, જેથી સાતીઆસરા માતાજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

તપાસ દરમિયાન પીપળેશ્વર હનુમાનજી મંદિરમાં જાળીનું લોક તૂટેલું હોવાનું તેમજ મંદિરમાં પ્રતિમાઓ પર ચડાવેલ ચાંદીના આભૂષણોની ચોરી થયેલી હોવાનું સામે આવ્યું હતું. મંદિરનો અન્ય સામાન પણ વેર વિખેર હાલતમાં જોવા મળ્યો હતો. અંદાજે રૂ. 27 હજારની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી થયાનું જાણવા મળ્યું છે.

ઉક્ત ફરિયાદના આધારે રાવપુરા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.