Vadodara Accident : વડોદરાના ગોરવા વિસ્તારમાં વોક માટે નીકળેલા બે સિનિયર સિટીઝન મિત્રોને પૂર ઝડપે પસાર થતી એક કારે અડફેટમાં લેતા બંનેને ઇજાઓ થઈ હતી.
ગોરવા લક્ષ્મીપુરા રોડ ઉપર નીલકંઠ ટેનામેન્ટમાં રહેતા રાજેશભાઈ વિશાવેએ પોલીસને કહ્યું છે કે, હું નોકરી પર હતો તે દરમિયાન મારા પત્નીએ ફોન કરીને પિતાને એક્સિડન્ટ થયો હોવાની જાણ કરી હતી. જેથી હું ગોત્રી હોસ્પિટલમાં પહોંચ્યો હતો.
આ વખતે મારા પિતા સુદામણ વિશાવે ગંભીર હાલતમાં હોવાથી વાત થઈ શકે તેમ ન હતી. જેથી તેમની સાથે સારવાર માટે દાખલ કરાયેલા તેમના મિત્ર વસંત તાનાજી ભાઈને પૂછતાં તેમણે કહ્યું હતું કે, સાંજે હું, સુદામણ ભાઈ અને નારાયણ વિજયભાઈ ચાલવા માટે નીકળ્યા હતા અને બરોડા સ્કાય ચાર રસ્તા પાસે બાંકડા પરથી ઉભા થઈને રિટર્ન થતા હતા, તે વખતે લક્ષ્મીપુરાથી ગોરવા આઈ.ટી.આઈ જવાના રસ્તા પર પાછળથી ધસી આવેલી કારે મને અને તારા પપ્પાને અડફેટમાં લીધા હતા. જેથી બંને જણાને ઇજાઓ પહોંચી હતી. કાર ચાલકે જ 108 બોલાવી હતી અને તે અને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.


