વડોદરા : ડભોઇ પ્રાથમિક શાળાના 2000ના લાંચ કેસમાં પકડાયેલા બે આચાર્ય સસ્પેન્ડ
Vadodara Bribery Case : વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળીના ઓડિટ માટે લાંચ લેવાના કેસમાં પકડાયેલા બે આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલી પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળીમાં સરકારી ઓડિટર જયશ્રી હીરાભાઈ સોલંકીને એક શાળા દીઠ 2000 લેખે 20 શાળાના 40,000 લાંચ આપવાની ગોઠવણ કરવામાં આવી હતી. જે અંગે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવીને એક સ્કૂલની 2000 લાંચ લેતા વસઇ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામ ભુપેન્દ્રભાઈ પટેલ,નિવૃત્ત શિક્ષક બુધ્ધિસાગર સોમાભાઇ પટેલ, મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી (રહે.ખૂંધિયાપુરા પ્રાથમિક શાળા આચાર્ય) અને નિવૃત્ત શિક્ષક મુકુંદ બાબુભાઇ ચૌહાણને ઝડપી પાડ્યા હતા.જ્યારે ઓડિટર જયશ્રી સોલંકી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પકડાયેલા શિક્ષકોને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા.
આ કેસમાં વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામ પટેલ અને મંત્રી મહેન્દ્રસિંહ સોલંકીને સસ્પેન્ડ કર્યા છે.