મંજુસર જીઆઇડીસીમાં બે માસુમ બહેનો ગુમ થઈ જતા પોલીસની દોડાદોડ
Vadodara : સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં બે માસુમ બહેનો રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા જિલ્લા પોલીસે બંનેની શોધખોળ માટે દોડધામ શરુ કરી છે.
મંજુસર જીઆઇડીસીમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં પતરાના શેડમાં એક ચાર વર્ષ અને બીજી બે વર્ષની પુત્રી સાથે રહેતા પતિ પત્ની ગઈકાલે સવારે કામ ઉપર ગયા હતા. સાંજે તેઓ પરત ફર્યા ત્યારે તેમની બંને પુત્રીઓ ઘરમાં જણાઈ ન હતી બંને પુત્રીની શોધખોળ શરૂ કરતા તેઓ ચાલતા ચાલતા જતા હોવાનું જણાયું હતું જોકે મોડી સાંજ સુધી બંનેનો પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરી હતી. જેના પગલે જિલ્લા પોલીસ દ્વારા બંને માસુમ બાળાઓને શોધવા માટે આખી રાત જીઆઇડીસીમાં ભાગદોડ કરી હતી પરંતુ બંનેનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આજે કંપનીઓના સીસીટીવી કેમેરાના આધારે બંને બહેનોની શોધખોળ પોલીસે ફરીથી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે પરપ્રાંતીય પરિવાર દસ દિવસ પહેલા જ મંજુસર આવ્યું હતું.