વડોદરા: કિશનવાડીમાં પરપ્રાંતીય યુવક ઉપર ત્રિપુટીનો તલવાર વડે જીવલેણ હુમલો
વડોદરા, તા. 21 માર્ચ
દુકાનદાર સાથે કેમ રકઝક કરે છે તેમ કહી ઝઘડાની અદાવત રાખી મારક હથિયારો સાથે હુમલાખોર ત્રિપુટીએ પરપ્રાંતીય યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હાલ ઈજાગ્રસ્ત યુવક હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હુમલાખોરો બાઈક અને છોટા હાથી ટેમ્પોને પણ નુકસાન પહોંચાડી બે મોબાઇલ ફોન ચોરી ગયા હોવાની ફરિયાદ ઇજાગ્રસ્તએ નોંધાવી છે .
મૂળ યુપીનો વતની અને હાલમાં કિશનવાડી વિસ્તારમાં રહેતો 23 વર્ષીય રાજેશ ઓમપ્રકાશ સેન ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે ,ગઈકાલે રાત્રે હું નમકીન લેવા માટે ગયો હતો . તે સમયે ગણેશ પાટીલ ( રહે - કિશનવાડી) એ હિન્દીમાં નહીં પરંતુ ગુજરાતીમાં બોલવા મને ધક્કો માર્યો હતો. જેથી મેં પરત રૂમ પર ગયો હતો અને સાથે રહેતા સોનુંને નમકીન લેવા માટે મોકલ્યો હતો. તે દુકાનવાળા પાસેથી નમકીન લઈ આવ્યો હતો. પરંતુ પૈસા બાકી રાખ્યા હતા. ત્યારબાદ હું અન્ય મિત્ર નિખિલ સાથે પાછો દુકાને ગયો હતો. તે આ વખતે દુકાનદારે નમકીનના બાકી પૈસા કાપી લેવા જણાવતા હુએ ના પાડ્યું હતું. આ દરમિયાન નજીક ઉભેલા ગણેશ તથા સચિને દુકાનવાળા સાથે કેમ બોલાચાલી કરે છે તેમ જણાવી અપશબ્દો બોલ્યા હતા. જેથી અમે બંને મિત્રો ફરી રૂમ પર આવી ગયા હતા. ત્યારબાદ રાત્રે સચિન પવાર ,ગણેશ પાટીલ તથા સાહિલ ઉર્ફે અમિત હાથમાં તલવાર અને પથ્થરો સાથે ધસી આવ્યા હતા. સચિને મને તલવાર ડાબા હાથમાં મારતા અંગુઠામાં ઈજા પહોંચી હતી. ગણેશએ તલવાર મારતા જમણા હાથની આંગળી ઉપર ઈજા પહોંચી હતી. સાથી મિત્રોએ દરવાજો લોક કરતા સાહિલએ પથ્થર મારી દરવાજાનું ઇન્ટરલોક તોડી નાખ્યું હતું. જેથી હું બાથરૂમમાં સંતાઈ ગયો હતો. હુમલાખોરો રૂમમાંથી મારો તથા મારા મિત્રના બે મોબાઈલફોન પણ સાથે લઈ ગયા હતા. અને બહાર પાર્ક કરેલી બાઈક તથા છોટા હાથી ટેમ્પોને તલવાર વડે નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે બાપોદ પોલીસે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.