વડોદરાના શિવભક્તનું બાબા અમરનાથની ગુફા પાસે બ્રેન સ્ટ્રોકથી નિધન, આજે પાર્થિવ દેહ વતન લવાશે
Vadodara : અમરનાથ યાત્રા દરમિયાન વડોદરાના એક શિવભક્ત મહેશ ઉત્તેકર (ઉં.વ. 50)નું બ્રેઈન સ્ટ્રોક બાદ નિધન થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમનો પાર્થિવ દેહ આજે (22 જુલાઈ) શ્રીનગરથી વિમાન દ્વારા વડોદરા લાવવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના તરસાલી પાણીની ટાંકી પાસે આવેલી ચંદ્રનગર સોસાયટીમાં રહેતા મહેશ ઉત્તેકર 11 દિવસ પહેલા બાબા અમરનાથના દર્શનાર્થે ગયા હતા. તેઓ ગુફાથી માત્ર 200 પગથિયાં દૂર હતા, ત્યારે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને તેઓ પડી ગયા હતા. તાત્કાલિક તેમને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ સોમવારે તેમનું દુઃખદ અવસાન થયું હતું.
મૃતદેહને વડોદરા લાવવા માટેની તમામ વ્યવસ્થા શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવી છે, જેમાં ટિકિટ અને કોફીનની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. અમરનાથ યાત્રામાં ભંડારો ચલાવતા વડોદરાના મિલિંદભાઈ વૈદે જણાવ્યું હતું કે, પ્રશાસન સંપૂર્ણ સહયોગ આપી રહ્યું છે અને આજે તેમનો મૃતદેહ વડોદરા પહોંચી જવાની શક્યતા છે. આ દુઃખદ ઘટનાને પગલે વડોદરા સહિત સમગ્ર શિવભક્ત સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.