વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સયાજીગંજ વિસ્તારમાં એક પીએસઆઈ અને તેમની સાથેના બે વ્યક્તિઓએ ધાક ધમકીથી ૩૦૦૦ રુપિયા પડાવીને તેની સામે માત્ર ૫૦૦ રુપિયાનો મેમો આપવાનો ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા.
આ મામલામાં વડોદરા પોલીસ કમિશનરે કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ કિરણ જોગદીયાની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાત્કાલિક અસરથી બદલી કરી છે તેમજ સાથે ફરજ પરના ટ્રાફિક બ્રિગેડના જવન સિંધા યશપાલસિંહને કાયમી ધોરણે ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.
વડોદરા પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર આ મામલાની વધુ તપાસ નાયબ પોલીસ કમિશનર રુષિકેશ ઉપાધ્યાય, ટ્રાફિકને સોંપવામાં આવી છે અને તા.૨૮ જાન્યુઆરી પહેલા તેનો અહેવાલ સુપરત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.તપાસના અહેવાલના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.


