વડોદરાના વિદ્યાર્થીઓના એઆઈ-વેલેટ રોબોટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી
નાના ઈનોવેટર્સ સિંગાપુરમાં ડબલ્યુઆરઓ ઈન્ટરનેશનલમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે
શહેરના બે પ્રતિભાશાળી વિધાર્થીઓ આરવ પંડ્યા અને હેત ઉપાધ્યાયે તેમના એઆઈ-સંચાલિત વેલેટ રોબોટ, વેલેટડ્રોઇડ સાથે ડબલ્યુઆરઓ (વર્લ્ડ રોબોટ ઓલમ્પિયાડ) ઇન્ડિયા નેશનલ્સ 2025 માં જુનિયર ફ્યુચર ઇનોવેટર્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
શહેરની ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ હૈદરાબાદ ખાતે 5 અને 6 સપ્ટેમ્બરના રોજ યોજાયેલ ડબલ્યુઆરઓ ઇન્ડિયા નેશનલ્સ 2025 માં જુનિયર ફ્યુચર ઇનોવેટર્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવીને વડોદરાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓ આરવ પંડ્યા (12) અને હેત ઉપાધ્યાય (13) એ વેલેટડ્રોઇડ વિકસાવ્યું હતું. આ એક AI-સંચાલિત વેલેટ રોબોટ છે જે દેશના શહેરી પાર્કિંગ સમસ્યાના ઉકેલ માટે બનાવ્યું છે. આ રોબોટ ગાડી લોક હોવા છતાં ટોઈંગ કરીને લઈ જઈ ચોકસાઈથી પાર્ક કરે છે. ગ્રાહક કયુઆરકોડ રોબોટને આપતા તે ગાડી સલામત રીતે પાછી લઈ આવે છે. નાની વયે મોટી કલ્પના ધરાવતા આ વિદ્યાર્થીઓએ પ્રથમ ડબલ્યુઆરઓ ગુજરાત રીજનલ્સમાં જીત મેળવી અને ત્યારબાદ ડબલ્યુઆરઓ ઈન્ડિયા નેશનલ્સ 2025માં પણ દેશભરની 70 જેટલી ટીમોને પાછળ મૂકીને પ્રથમ સ્થાન હાંસિલ કર્યું હતું. હવે આ નાના ઈનોવેટર્સ સિંગાપુરમાં યોજાનારી ડબલ્યુઆરઓ ઈન્ટરનેશનલ 2025માં દેશનું પ્રતિનિધિત્વ કરશે.