વડોદરામાં મહિલાની છેડતી બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો, અનેક લોકો ઈજાગ્રસ્ત
Vadodara News: વડોદરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારી કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ વડોદરાના બાપોદમાં વિજયનગર માળી મોહલ્લામાં અસામાજિક તત્ત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના બાદ બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. જેના કારણે બોલાચાલી થઇ જતાં મામલો બીચક્યો હતો અને મારામારી સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન બંને જૂથ એકબીજા પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મહિલાઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર બાપોદ વિસ્તારમાં વિજયનગર માળી મહોલ્લામાં કેટલાક અસામાજિક તત્ત્વો મહિલાઓની છેડતી કરતા હોવાના આક્ષેપો થયા હતા. મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાના આક્ષેપ બાદ એક જ કોમના બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા બન્ને જૂથો દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ સહિત કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. બનાવના પગલે ઇજાગ્રસ્ત અવસ્થામાં મહિલા અને નાગરિકો બાપોદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.