Vadodara Railway : વડોદરા રેલવે વિભાગના વિશ્વામિત્રી–ડભોઈ સેક્શનમાં આવેલ પ્રતાપનગર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ માટે 14 નવેમ્બરના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ કામના કારણે અનેક લોકલ અને પેસેન્જર ટ્રેનો રદ રહેશે.
પ્રતાપનગર–એકતાનગર વચ્ચે દોડતી તમામ મેમુ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. ઉપરાંત, પ્રતાપનગર–છોટાઉદેપુર તથા પ્રતાપનગર–જોબટ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. કુલ 12 ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે. તે સિવાય અલીરાજપુર–પ્રતાપનગર પેસેન્જર માત્ર ડભોઈ સુધી ચાલશે અને ડભોઈથી પ્રતાપનગર વચ્ચે રદ રહેશે, જ્યારે પ્રતાપનગર–અલીરાજપુર પેસેન્જર ડભોઈથી આગળ ચાલશે. રેલવે વિભાગે આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અપીલ કરી છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ 9થી 13 નવેમ્બર સુધી બ્લોક લેવાતા પ્રતાપ નગરથી છોટાઉદેપુર અને એકતાનગર તરફની મેમુ તથા પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી.


