વડોદરા પોલીસને લાંછન: 2.50 કરોડના દારૂમાં PIસસ્પેન્ડ થયા ત્યાં SMCએ ફરી 62 લાખનો દારૂ પકડ્યો

વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ મહિના પહેલા અઢી કરોડના દારૂના કેસમાં પીઆઇ સસ્પેન્ડ થયા હતા અને તે જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ રાત્રે ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ દરોડો પાડી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડતા પોલીસ માટે લાંછનરૂપ કિસ્સો બન્યો છે.
વડોદરાના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીએસએફસી પાસેથી ગઈકાલે રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક કન્ટેનર પકડવામાં આવ્યું હતું. જેમાં લાકડાના ભુસા વચ્ચે દારૂની થોક બંધ પેટીઓ મળી આવી હતી. પોલીસે ડ્રાઇવર ક્લીનરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
દારૂની ગણતરી માટે આખી રાત પોલીસની ટીમો કામે લાગી હતી. પ્રાથમિક તબક્કે દારૂની કિંમત 62 લાખ જેટલી થતી હોવાની માહિતી મળી છે.
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકના નામે અનેક પ્રકારના નિયમો બતાવી દંડ વસૂલતી પોલીસ બુટલેગરો સામે કેમ નતમસ્તક થઈ જાય છે તે નાગરિકોમાં ચર્ચાનો વિષય છે.