વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે
Vadodara Blast Threat: ગુજરાતના મોટા શહેરોમાં જેમાં ખાસકરીને અમદાવાદ, સુરત, અને વડોદરા જેવા મોટા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી રહી છે. ત્યારે વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતાં વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ જો કશું હાથ લાગ્યું ન હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બની ધમકી મળતા સ્કૂલ તેમજ વાલીઓમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. વડોદરામાં સમા વિસ્તારની નવરચના સ્કૂલને એક પછી એક બે વખત તેમજ રિફાઇનરી ઈંગ્લિશ મીડીયમ સ્કૂલ બોમ્બની ધમકી મળ્યા બાદ હવે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે.
આજે વહેલી સવારે ધમકીનો મેસેજ જોતા સ્કૂલના વહીવટકર્તાઓએ વાલીઓને ગ્રૂપ મેસેજ કરી તાત્કાલિક બાળકોને લઈ જવા અથવા તો વાન ચાલકોને સ્કૂલે મોકલી આપવા જાણ કરી હતી. બીજી તરફ ડીસીપી પન્ના મોમાયાની ટીમ સ્કૂલમાં આવી ગઈ હતી અને બોમ્બ સ્ક્વોડની મદદ લઇ સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે મોટાભાગની તપાસ દરમિયાન કશું જ હાથ લાગ્યું ન હતું.