Vadodara Road Accident: વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાના (VMC) ડમ્પરની બેદરકારીએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. વડસર બ્રિજ નજીક ડમ્પરની અડફેટે આવતા એક સાયકલ સવાર વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ડમ્પરચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ માંજલપુર પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને ફરાર ડ્રાઈવરને પકડવા માટે શોધખોળ તેજ કરી છે.
પાલિકાના ડ્રાઈવરો સામે લોકોમાં રોષ
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત વડસર બ્રિજ પાસેના રોડ પર સર્જાયો હતો. એક વૃદ્ધ વ્યક્તિ પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું ડમ્પરચાલકે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.
ઘટનાને પગલે આસપાસના લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જીને ડમ્પરચાલક તરત જ નાસી છૂટ્યો હતો, જેના પગલે લોકોમાં પાલિકાના ડ્રાઈવરોની બેદરકારી સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો. અકસ્માતના કારણે વડસર બ્રિજ પર થોડો સમય વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.


