રાજ્યમાં GUJCTOC હેઠળ સૌથી વધુ ગુના વડોદરામાં નોંધાયા,પાંચમી ગેંગ પકડાઇ
બિચ્છુ ગેંગ,કાસમઆલા ગેંગ,અલ્પુ-જુબેર ગેંગ,સિકલીગર ગેંગ બાદ હવે ચૂઇ ગેંગ પકડાઇ
વડોદરાઃ વડોદરા શહેરમાં ગુનેગારો પર સકંજો કસવા માટે પોલીસ દ્વારા ગુજસીટોક નું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે અને આ વર્ષે ગુજસીટોક હેઠળ રાજ્યમાં સૌથી વધુ ગુના વડોદરા શહેરમાં નોંધાયા છે.
ગેંગ બનાવીને સંગઠિત ગુનાખોરી આચરનારા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તેમની મિલકતો ટાંચમાં લેવા સુધીના પગલાં લેવામાં આવે છે.જે અંતર્ગત વડોદરા શહેર પોલીસે ચાર વર્ષમાં કુલ પાંચ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરીછે.
સૌથી પહેલાં ખંડણીખોર અસલમ બોડિયાની બિચ્છુ ગેંગ સામે ગુનો નોંધાયો હતો.ત્યારબાદ ભૂતડીઝાંપા પાછળ કાસમ આલા વિસ્તારમાં રહેતા હુસેન સુન્નીની કાસમ આલા ગેંગ,રાજવીરસિંગ અને જોગિન્દરસિંગ સહિતના સાગરીતોની સિકલીગર ગેંગ અને દારૃના ધંધામાં સામેલ અલ્પુ સિન્ધી,જુબેર મેમણ સહિતના આઠ બૂટલેગરોની ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે પાણીગેટ વિસ્તારમાં પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરતી ચૂઇ ગેંગ સામે તાકિદે કાર્યવાહી કરવાની સૂચના આપતાં આજે આ ગેંગ સામે પણ ગુનો નોંધાયો છે.
પાંચ ગેંગમાંથી માત્ર બિચ્છુ ગેંગના બે જ આરોપીની મિલકતો ટાંચમાં લેવાઇ છે
ગુજસીટોક હેઠળ ગુનેગારોની ગેરકાયદે મિલકતો ટાંચમાં લેવાની જોગવાઇ છે.પરંતુ વડોદરા પોલીસે પાંચ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધી માત્ર બિચ્છુ ગેંગના મુન્ના તડબૂચની રૃ.૧.૩૨ કરોડ અને સૂત્રધાર અસલમ બોડિયાની રૃ.૬૯.૮૮ લાખની મિલકત ટાંચમાં લીધી હતી.પોલીસનું કહેવું છે કે,કાનૂની પડકારોને કારણે આ પ્રોસિજરમાં વિલંબ થાય છે.