Gujarat

વડોદરા: ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવતુ પ્રોફિટ સેન્ટર બિલ્ડીંગ સીલ

By GS Team
18 Dec 20212 mins read
This article was originally published on 18 Dec 2021
વડોદરા: ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવતુ પ્રોફિટ સેન્ટર બિલ્ડીંગ  સીલ

વડોદરા, તા. 18 ડિસેમ્બર,

વડોદરા શહેરમાં ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવતી ઇમારતને પાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાને લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવતી કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. દરમિયાન આજરોજ ફાયર બ્રિગેડએ સયાજીગંજ વિસ્તારમાં આવેલા પ્રોફિટ સેન્ટ્રલ બીલ્ડીંગને ફાયર સેફટી મુદ્દે સીલ મારવાની કામગીરી હાથ ધરી  હતી. અત્રે નોંધનીય છે કે પ્રોફિટ સેન્ટર બિલ્ડિંગને  છ મહિનાની સમય મર્યાદા આપ્યા બાદ ફાયર સેફટી અંગે નિષ્કાળજી દાખવતાં  આખરે સીલ માર્યું છે.

ગુજરાતમાં થોડા સમય પહેલા કોરોના હોસ્પિટલો, ટ્યુશન ક્લાસ તેમજ બહુમાળી ઇમારતોમાં ભીષણ આગના બનાવોને કારણે અનેક વ્યક્તિના જીવ ગયા છે. ત્યારબાદ આવી ઘટનાઓ રોકવા માટે હાઈકોર્ટે ફાયર સેફટીના કડક અમલ અંગે રાજ્ય સરકારને સૂચના આપી હતી. તે આધારે દરેક શહેરમાં ફાયર સેફટીના નિયમોનો કડક અમલ કરવા રાજ્ય સરકારે પરિપત્ર જારી કર્યો હતો. જેથી વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા બિલ્ડીંગોમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇને ફાયર સેફ્ટીની સંસાધનો અંગેનું ઓડિટ કરવામાં આવે છે. એટલું જ નહિ ફાયર સેફ્ટી ન હોય તેવી સંસ્થાઓને નોટીસ પણ આપવામાં આવે છે. પરંતુ શહેરમાં આવેલી અનેક હોસ્પિટલો દ્વારા વારંવાર નોટીસ મળ્યા બાદ પણ કોઇ કામગીરી નહિ કરતા ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોફિટ સેન્ટર દ્વારા ફાયર સેફ્ટી મામલે બેદરકારીભર્યું વલણ દાખવતા તંત્રએ લાલ આંખ કરી છે. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટના માર્ગદર્શનમાં ડિપાર્ટમેન્ટ દ્વારા  લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સંપૂર્ણ બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી આજે હાથ ધરી હતી. અગાઉ બેદરકારી જણાવતા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા જરૂરી સુવિધા ઉભી કરવા માટે છ મહિનાની સમયમર્યાદા આપવામાં આવી હતી. જોકે તેમ છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરાતાં આજરોજ ફાયર બ્રિગેડ દ્વારા આખેઆખું બિલ્ડીંગ સીલ મારી દીધું હતું. અત્રે નોંધનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા 20 વર્ષથી બહુમાળી કોમર્શિયલ ઇમારતો જેણે ફાયર સેફ્ટીની એનોસી મેળવી જ નથી તેવી ઈમારતોના સંચાલકો સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે. સીલ મારવાની કામગીરી શરૂ કારી હતી.