Get The App

વડોદરા: બાકરોલ, જેસંગપુરા, ધનીઆવી, સુંદરપુરા ટીપી સ્કીમ માટેની પૂર્વ તૈયારીઓ શરૂ

Updated: Sep 9th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરા: બાકરોલ, જેસંગપુરા, ધનીઆવી, સુંદરપુરા ટીપી સ્કીમ માટેની પૂર્વ તૈયારીઓ શરૂ 1 - image


વડોદરા, તા. 09 સપ્ટેમ્બર 2023, શનિવાર

વડોદરા શહેર અને વુડા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી ટીપી સ્કીમ મંજૂર કરવામાં વિલંબ થતો હતો પરંતુ હવે રાજ્ય સરકારમાંથી વહેલી તકે ટીપી સ્કીમોને મંજૂરી મળી રહી છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉડાએ પણ નવી ટીપી સ્કીમો બનાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પાલિકા સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે શહેરી વિકાસ સત્તા મંડળની ગઈ તા. 13 જૂનની બોર્ડ બેઠકના ઠરાવથી બાકરોલ જેસંગપુરા અને ધનીઆવી - સુંદરપુરાનો  ઈરાદો જાહેર કરાયો હતો ત્યારબાદ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસના નિયમ પ્રમાણે આ મુસદ્દારૂપ નગર રચના યોજનાની કામચલાઉ દરખાસ્ત ખાસ તૈયાર કરાઈ હતી. આ અંગે સમજૂતી આપવા માટે યોજના વિસ્તારના તમામ જમીન માલીકો હિત સંબંધ ધરાવનાર વ્યક્તિઓની જાહેર સભા વુડા ભવનએલ એન્ડ ટી સર્કલ પાસે,  વીઆઇપી રોડ, કારેલીબાગ ખાતે ગઈ તા. 1 સપ્ટેમ્બરે બપોરે 10:30થી 12:30 અને ધનીઆવી-સુંદરપુરા માટે 3:40થી 4:30 સુધી રાખવામાં આવી હતી. તે જ દિવસે આ મુસદ્દારૂપ નગર રચના યોજનાની કામચલાઉ દરખાસ્તો અંગેનું સાહિત્ય જોવા માટે રાખી સમજૂતી પણ આપવામાં આવી હતી. 

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળની જોગવાઈઓ અન્વયે યોજનાનો મુસદ્દો લોકોના વાંધા સૂચનો મેળવવા સારું એક માસમાં હિત સંબંધ ધરાવતી વ્યક્તિઓએ કે જમીન માલિકોએ ચાર નકલમાં લેખિત રીતે મુખ્ય કારોબારી અધિકારી શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીએ આપવાના રહેશે. વાંધા સૂચનો ગુણવત્તાના ધોરણે ધ્યાનમાં લેવાશે. જેના આધારે જરૂર જણાશે તો યોગ્ય ફેરફાર કરીને સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે.

આ યોજનાનું સાહિત્ય જોવા માટે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીમાં કામકાજના દિવસો દરમિયાન કચેરી સમયમાં ખુલ્લું રાખવામાં આવેલ છે તથા વુડાની વેબસાઈટ ઉપર પણ રજૂ કરવામાં આવેલ છે. આ યોજનાની દરખાસ્ત સમજાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું મુખ્ય કારોબારી અધિકારી શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જણાવાયું છે.


Tags :