Vadodara : ઉતરાયણ પર્વને ધ્યાને રાખી ગુજરાત હાઈકોર્ટ દ્વારા પતંગની દોરીમાં કાચના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોઈ વડોદરા શહેર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જાહેરનામાનો ભંગ કરી દોરી માંજવાનું કામ કરતા કારીગરો અને વેપારીઓ સામે પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે દોરી માંજવાનું કામ કરતા હીરાજી હમીરજી ઠાકોર (રહે. કાલિદાસની ચાલી, વિશ્વામિત્રી નીચે) દ્વારા પ્રતિબંધિત કાચનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળતાં પોલીસે તેની અટકાયત કરી રૂ.1,250 કિંમતની ત્રણ દોરીની ફીરકી તેમજ દોરી માંજવા માટેનો માંજો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત દાંડિયા બજાર ગેસ ઓફિસની સામે દોરી માંજવાનું કામ કરતા તુષાર અનિલ સાવંત (રહે. નર્મદા નગર, માંજલપુર) પાસેથી રૂ. 3,850 કિંમતની 11 દોરીની ફીરકી અને દોરી માંજવાનો માંજો કબ્જે કરી તેની અટકાયત કરવામાં આવી હતી. નવાપુરા પોલીસ દ્વારા શક્તિકૃપા સર્કલથી જયનગર સોસાયટી તરફના માર્ગ પરથી અખ્તરમિયા યાકુબમિયા શેખ (રહે. મહેબુબપુરા, નવાપુરા) પાસેથી રૂ. 210 કિંમતની એક દોરીની ફીરકી તથા 100 ગ્રામ કાચનો પાવડર કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસે ત્રણેય આરોપીઓ સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તરાયણના તહેવાર દરમિયાન અને તે પહેલાં જ પતંગ ઉડાડવાની શરૂઆત થઈ જાયછે, જેમાં ચાઈનીઝ દોરી અને કાચના પાવડરથી રંગેલી (ગ્લાસ કોટેડ) દોરીના કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોવાના બનાવો બન્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં ગુજરાત હાઈકોર્ટમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, સિન્થેટિક દોરી અને ગ્લાસ કોટેડ કોટન દોરી તેમજ આગ માટે જવાબદાર ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની માંગ સાથે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે તા. 8 જાન્યુઆરી, 2025ના હુકમ દ્વારા નાયલોન દોરી અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધના સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા.


