હિટ એન્ડ રન કેસમાં વડોદરા પોલીસે અમદાવાદના કારચાલકને ઝડપી પાડ્યો, મૃતકની ઓળખ બાકી

Vadodara Hit and Run : વડોદરા નજીક હાઇવે ઉપર એક સપ્તાહ પહેલા થયેલા હીટ એન્ડ રન કેસમાં પોલીસે ફરાર થઈ ગયેલા કાર ચાલકને અમદાવાદથી ઝડપી પાડ્યો છે.
દુમાડ ચોકડીથી સુરત તરફ જવાના રસ્તા ઉપર તુલીપ હોટલ પાસે ગઈ તા.18મી એ સાંજે 55 થી 60 વર્ષની વયનો અજાણ્યો પુરુષ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂર ઝડપે પસાર થયેલા કોઈ વાહને તેને અડફેટમાં લેતા લોહીલુહાણ થઈ ગયો હતો.
સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરો હોય તેને મૃત જાહેર કર્યો હતો. સમા પોલીસ દ્વારા મૃતકની તેમજ અજાણ્યા વાહનની ઓળખ માટે જુદી જુદી બે ટીમ બનાવવામાં આવી હતી.
આ દરમિયાન મૃતકની ઓળખાણ હજી થઈ શકી નથી અને પોલીસ દ્વારા તેના ફોટા સાથેની માહિતી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવી છે. તો બીજી તરફ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તપાસ કરતા અકસ્માત કરનાર વાહન એ સફેદ રંગની કાર હોવાનું જણાઈ આવ્યું હતું.
પોલીસે ટોલનાકા ઉપર વધુ તપાસ કરી કારના નંબરને આધારે મિતુલ કિરીટભાઈ પટેલ (તીર્થ વિલા ફ્લેટસ, ગણેશ બંગલોઝની પાસે, ન્યુ રાણીપ, અમદાવાદ) ની ધરપકડ કરી કાર કબ્જે લીધી છે.

