Vadodara Police : વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીર બાળક ઘરમાં કોઇને કહ્યા વગર ઘરેથી નિકળી ગયો હતો. જે મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતા માતા પિતા સહિતના પરિવારને સભ્યો ચિંતિત બન્યા હતા. શોધખોળ કરવા છતાં તેનો કોઈ પતો લાગ્યો ન હોય ગોરવા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની અલગ અલગ ટીમોએ તેને સહી સલામત રીતે શોધી કાઢી તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીર 1 જાન્યુઆરીના રોજ ઘરે મોડી રાત સુધી પરત આવ્યો ન હતો. જેથી પરિવારના સભ્યોએ તેની ઘણી શોધખોળ કરી હતી પરંતુ કોઈ અતો પતો લાગ્યો ન હતો. જેથી આખરે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ચિંતિત થયેલા પિતા દોડી ગયા હતા અને તેમનો 17 વર્ષનો દિકરો કોઇને કહ્યા વગર ઘરેથી નિકળી ગયેલ હતો અને ગુમ થઈ ગયો હોવાની જાણ કરી હતી. આ માહિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીઆઇ કે.એન.લાઠિયા દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સગીરને શોધી કાઢવા માટેની સુચના આપી હતી. જેથી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા
ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરાઈ હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમા સગીર 17 વર્ષીય બાળકને શોધી કાઢ્યો હતો અને તેને સહી સલામત પરત લાવી પોલીસે સ્ટેશનમાં બાળકનું તેના માતા પિતા સાથે પુન:મિલન કરાવ્યુ હતું.


