વડોદરાઃ શહેર પોલીસની છ ટીમો દ્વારા જુદાજુદા રાજ્યોમાં છાપા મારીને લાંબા સમયથી ફરાર ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.અપહરણના એક કેસમાં વોન્ટેડ આરોપીનું ચાર વર્ષ પહેલાં જ મૃત્યુ થયું હોવાનું જણાઇ આવતાં પોલીસ દ્વારા મરણનો દાખલો કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શહેરના જુદાજુદા ગુનાઓમાં લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધવા માટે ચાર ઝોનના નાયબ પોલીસ કમિશનર તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા આરોપીઓના વતનમાં વોચ રાખી પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.જે દરમિયાન પોલીસે હરણીના ડ્રગ્સ કેસમાં પાંચ વર્ષથી ફરાર ગોદા રામ ઉર્ફે ગોવિંદ જગમાલારામ ચૌધરી (ભાદરુણા,સાંચોર,રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો.
જ્યારે,ફતેગંજમાં છ વર્ષ પહેલાં સગીરાના અપહરણના બનાવમાં ફરાર ઇરફાન મુન્નેખાન પઠાણને યુપીના અલીગંજ ખાતેથી તેમજ હરણીના દારૃના કેસમાં ચારવર્ષથી ફરાર ઉદયભાનસિંગ જાટને આગ્રાના નવીપુલ ખાતેથી ઝડપી પાડયા હતા.રિવોલ્વરના કેસમાં એક વર્ષથી ફરાર ક્રિષ્ના થાવરસિંગ રાવતને પણ એમપીના અલીરાજપુર નજીકથી ઝડપી પાડયો હતો.
ગોત્રીમાં પ્રેમપ્રકરણ બાબતે કેસુર બારીયા નામના યુવકનું કારમાં અપહરણ કરવાનો ૧૨ વર્ષ પહેલાં બનાવ બન્યો હતો.જેમાં ત્રણ આરોપી પકડાયા હતા.પરંતુ સુલતાન ફુલાભાઇ રાઠવા(ચોટ બોકડીયા, અલીરાજપુર,એમપી) મળતો નહતો.પોલીસે તપાસ કરતાં આરોપીનું ચાર વર્ષ પહેલાં મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.


