વડોદરા રેલવે વિભાગના રણોલી અને પ્રતાપનગર સ્ટેશન ખાતે આગામી સમયમાં પિટ લાઈન અને સ્ટેબલિંગ લાઈનના નિર્માણ સાથે પ્રતાપનગર સ્ટેશન પર કોચિંગ ક્ષમતા વધારવા માટે કોચિંગ ટર્મિનલ બનાવાશે.
યાત્રીઓની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા આગામી પાંચ વર્ષમાં દેશના મુખ્ય શહેરોમાં નવી ટ્રેનોની સંચાલન ક્ષમતાને વર્તમાન સ્તરથી બમણી કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકાઈ રહી છે. જેના ભાગરૂપે વર્ષ 2025-26 દરમિયાન વડોદરા વિભાગના પ્રતાપનગર સ્ટેશન પર બે નવા પ્લેટફોર્મનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શોર્ટ ટર્મ યોજના હેઠળ, એટલે કે આગામી બે વર્ષમાં રણોલી સ્ટેશન પર બે પિટ લાઈન અને એક સ્ટેબલિંગ લાઈનનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે લોંગ ટર્મ યોજના હેઠળ આગામી ત્રણથી પાંચ વર્ષમાં પ્રતાપનગર સ્ટેશન પર એક પિટ લાઈન અને એક સ્ટેબલિંગ લાઈનનું નિર્માણ કરાશે.આ ઉપરાંત પ્રતાપનગર સ્ટેશન પર કોચિંગ ક્ષમતા વધારવા માટે કોચિંગ ટર્મિનલ પણ બનાવવામાં આવશે.


