Rakshit Chaurasia Hit and Run Case: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત કેસના આરોપી રક્ષિત ચૌરસિયાના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. 13 માર્ચ 2025ના રોજ નશામાં ચૂર રક્ષિત ચૌરસિયાએ પુરપાટ ઝડપે કાર દોડાવી હતી. આમ્રપાલીમાં રક્ષિતે 8 લોકોને કારની ટક્કરે ઉડાવી દીધા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે તેમના પતિ પૂરવ પટેલ સહિત અન્ય 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં આરોપી છેલ્લા 9 મહિના વડોદરા સેન્ટ્રલ જેલની હવા ખાઈ રહ્યો હતો, આજે ગુજરાત હાઈકોર્ટે નબીરા રક્ષિતના જામીન મંજૂર ર્ક્યા છે.
વડોદરા સેશન્સ કોર્ટ જામીન ના મજૂર કર્યા હતા
મહત્વનું છે કે આ પહેલા આરોપી રક્ષિતે વડોદરા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બંને વકીલોની દલીલો બાદ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં રક્ષિત દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી જે હાઈકોર્ટે મંજૂર કરી છે.
140 હતી કારની સ્પીડ
આ ચાર્જશીટમાં પોલીસે અમુક મહત્ત્વની વાતનો ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટ અનુસાર, 5 સેકન્ડ સુધી રક્ષિત ચોરસિયાની કારની સ્પીડ 140 હતી. જોકે, ત્યારબાદ કારની મલ્ટી કોલિઝન બ્રેકિંગ સિસ્ટમ એક્ટિવ થઈ જતા કાર ઓટોમેટિક જ ઊભી રહી ગઈ હતી. ચાર્જશીટ મુજબ, રક્ષિતે અકસ્માત વખતે બ્રેક નહોતી મારી. 12થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. શરૂઆતમાં પોલીસ તેના મિત્ર પ્રાંશુ અને સુરેશને સાક્ષી બનાવવાના હતાં, જોકે બંનેએ નશો કર્યા હોવાના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નિયમ પ્રમાણે સાક્ષી બનાવાયા ન હતા. અકસ્માત બાદ નશામાં ચૂર રક્ષિત અનધર રાઉન્ડ (Another Round) અને નીકીતા મેરીની બૂમાબૂમ કરતો હતો.
શું હતી ઘટના?
હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પૂરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય 6 સહિત કુલ 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે રક્ષિતની ધરપકડ કરી બે વખત રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થયા પછી તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
- હેમાલીબેન પુરવભાઈ પટેલ, ઉંમર- 36 વર્ષ (મૃતક)
- પૂરવ દીપકભાઈ પટેલ, ઉંમર- 37 વર્ષ
- કોમલબેન અજીતભાઈ કેવલાણી, ઉંમર- 24 વર્ષ
- જયેશભાઈ અનિલભાઈ કેવલાણી, ઉંમર- 18 વર્ષ
- વિકાસભાઈ અજીતભાઈ કેવલાણી, ઉંમર- 22 વર્ષ
- નિશાબેન આશિષભાઈ શાહ, ઉંમર- 35 વર્ષ
- જૈનીલ આશિષભાઈ શાહ, ઉંમર- 8 વર્ષ
- રેન્સી આશિષભાઈ શાહ, ઉંમર- 9 વર્ષ


