વડોદરામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડ્યા, પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News: ગુજરાતમાં હાલ કોંગ્રેસ અનેક વિસ્તારોને સાંકળી જન આક્રોશ રેલીનું આયોજન કરી રહી છે ત્યારે વડોદરામાં જન આક્રોશ રેલીમાં ખરેખર આક્રોશ જોવા મળ્યો હતો. છાણી ગામમાં ભાજપના નેતા દક્ષેશ ગાંધી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. જોત જોતાંમાં મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. સરાજાહેર કયા કારણોસર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બબાલ થઈ તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
કોંગ્રેસના નેતાઓ આક્રોશ રેલીમાં જોડાયા
મહત્વનું છે કે વડોદરા શહેરના આજે કોંગ્રેસની જન આક્રોશ રેલીનું આયોજન હતું જેની શરૂઆત ભીમનાથ મહાદેવ સાવલીથી શરૂ થઈ હતી, છાણી જકાતનાકા પાસેથી પસાર થઈ તે સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. પોલીસની દખલ બાદ મામલે ઠેકાણે પડ્યો હતો બાદમાં કોંગ્રેસની આક્રોશ રેલી આગળ ધપી હતી. જે ફતેહગંજ, કાલાઘોડા, મંડવી થઈ અટલાદરામાં સુધી ફરશે. આ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના મોટાગજાના નેતાઓ જોડાયા હતા.
જન આક્રોશ યાત્રા 2027નો શંખનાદ
રેલીને સંબોધન કરતાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે સરકાર પર વાર કરતાં કહ્યું હતું કે 'આ રેલીના લોકો ઉમળકાભેર વધાવી રહ્યા છે, પોતાના પ્રશ્નો ખુલીને બોલી રહ્યા છે અને લડાઈ લડવાનો સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે હું માનું છું કે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી લોકોમાં જે સરકાર દ્વારા ભય અને ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, એ ભય અને ડર દૂર થઈ રહ્યો છે. લોકો ખુલીને બોલતા થયા છે, આ જન આક્રોશ યાત્રા 2027માં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ સાબિત થવાની છે.'
જેઠાભાઈ ભરવાડના રાજીનામાં પર પ્રહાર
જેઠાભાઈ ભરવાડના રાજીનામા અંગે અમિત ચાવડાએ સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે ભાજપમાં આંતરિક ગેંગ વોર ચાલે છે. ક્યાંક રાજીનામાઓ લઈને લડાઈ થાય છે. ક્યાંક કોઈક મંત્રી બની જાય છે, ગુજરાતની સાડા 6 કરોડની જનતાની ભાજપને ચિંતા નથી પણ એમના હોદ્દાઓની, એમની સત્તાઓની, એમના પૈસાની અને એમની જે પ્રતિષ્ઠાની લડાઈ છે એમાં આખા ગુજરાતના લોકોને પીસી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે








