Gujarat

વડોદરા: લાંચ કેસમાં નાયબ કાર્યપાલક ઇજનેર દોષિત, કોર્ટે 3 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો

By GS TEAM
19 May 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં સાડા ચાર લાખની લાંચ માગ્યા બાદ 10,000ની લાંચ લેતા ઝડપાઈ ગયેલા નાયબ કાર્યપાલક ઇજનેરને કસૂરવાર ઠેરવી અદાલતે 3 વર્ષની સજા તેમજ રૂ. 15,000નો દંડ કર્યો. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને કાયદેસરના મહેનતાણા સિવાય લાંચની રકમ સ્વીકારી હોવાનું સાબિત થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: લાંચ કેસમાં નાયબ કાર્યપાલક ઇજનેર દોષિત, કોર્ટે 3 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો

Vadodara News : વડોદરામાં સાડા ચાર લાખની લાંચ માગ્યા બાદ 10,000ની લાંચ લેતા ઝડપાઈ ગયેલા નાયબ કાર્યપાલક ઇજનેરને કસૂરવાર ઠેરવી અદાલતે 3 વર્ષની સજા તેમજ રૂ. 15,000નો દંડ કર્યો. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને કાયદેસરના મહેનતાણા સિવાય લાંચની રકમ સ્વીકારી હોવાનું સાબિત થાય છે.

કેસની વિગત એવી છે કે, ફરિયાદી કોન્ટ્રાક્ટર મદનચંદ જૈનને વર્ષ 2008માં નસવાડી તાલુકામાં મેન નદી પર ચેકડેમ બનાવવાનું આશરે અઢી કરોડનું સરકારી ટેન્ડર મળ્યું હતું. આ કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરના ફાઇનલ બિલ અને જમા કરાવેલી એફ.ડી. તેમજ પર્ફોર્મન્સ બોન્ડના નાણાં પરત મેળવવાના બાકી હતા. આ નાણાં મંજૂર કરવાના બદલામાં સિંચાઈ વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2) દીપકભાઇ પુંજાભાઇ બ્રહ્મભટ્ટે પહેલા સાડા ચાર લાખની માંગણી કરી હતી.

જો કે, બાદમાં વાટાઘાટોના અંતે બે લાખ નક્કી કરાયા હતા અને સુપરવાઈઝરના રૂ. 10,000 અલગથી આપવાનું નક્કી થયું હતું. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હોવાથી તેણે વર્ષ 2009માં એ.સી.બી.માં ફરિયાદ આપતા એસીબીએ કુબેરભુવન ખાતે લાંચનું છટકું ગોઠવી દીપક બ્રહ્મભટ્ટને રૂ. 10,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ ભાવિક પુરોહિતે દલીલો કરી હતી. ન્યાયાધીશે બંને પક્ષની દલીલ તેમજ પુરાવાઓને ધ્યાનમાં લઈ વડોદરા સિંચાઈ વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2) દીપકભાઇ પુંજાભાઇ બ્રહ્મભટ્ટને ભ્રષ્ટાચારની કલમ હેઠળ દોષિત ઠેરવી 3 વર્ષની સજાનો આદેશ કર્યો હતો.