Gujarat

વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધીયા

By GS TEAM
31 May 20262 mins read
TukuTouch Logo
વડોદરા શહેરના ડભોઈ રોડ સ્થિત શાંતિનગર વિસ્તારના રહીશોએ લાંબા સમયથી ચાલતી પાણીની સમસ્યાથી કંટાળી ગઈકાલે શનિવારે એકત્ર થઈ મ્યુનિ. કોર્પોરેશન વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકો માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધીયા

Vadodara News: વડોદરા શહેરના ડભોઈ રોડ સ્થિત શાંતિનગર વિસ્તારના રહીશોએ લાંબા સમયથી ચાલતી પાણીની સમસ્યાથી કંટાળી ગઈકાલે શનિવારે એકત્ર થઈ મ્યુનિ. કોર્પોરેશન વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકો માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો.

દૂષિત પાણી મળી રહ્યું હોવાનો દાવો

વોર્ડ નંબર-16માં આવેલ, શાંતિનગર વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ શક્તિ નગર, શાંતિનગર-1 અને 2, હીરાબાનગર, વિશ્વકર્માનગર તથા પંચમુખીનગર સહિતના વિસ્તારોમાં  છેલ્લા આઠ મહિનાથી પાણીની ગંભીર સમસ્યા છે. અંદાજે એક હજાર મકાનો ધરાવતા આ વિસ્તારોમાં ખૂબ ઓછા પ્રમાણમાં અને દૂષિત પાણી મળી રહ્યું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.

પાણી માટે ભીખ માગવા જેવી સ્થિતિ

વધુમાં રહીશોએ આરોપ કર્યો છે કે, 'નિયમિત રીતે વેરો ભરવા છતાં શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. પાણી માટે મ્યુનિ.કોર્પોરેશન સમક્ષ ભીખ માગવા જેવી સ્થિતિ સર્જાઈ છે. વોર્ડ કચેરી તેમજ સ્થાનિક આગેવાનો સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી. પાણીની અછતને કારણે અન્ય વિસ્તારોમાં પાણી ભરવા જવું પડે છે.'

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત

સમસ્યાનો ઉકેલ નહીં આવે તો હલ્લાબોલની ચીમકી

'પરંતુ ત્યાં પણ એક-બે વખત પાણી ભરવા દઈ બાદમાં મનાઈ કરવામાં આવતી હોવાથી અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. પાણીની સમસ્યાને કારણે દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી હોવાનું રહીશોએ વેદના વ્યક્ત કરી છે. રહીશોએ માટલા ફોડી ચીમકી આપી છે કે જો સમસ્યાનો તાત્કાલિક નિકાલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પાણી પુરવઠા કચેરી અને  મ્યુનિ. કમિશ્નરની કચેરી ખાતે મોરચો લઈ પહોંચીશું'. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે પૂર્વ વિપક્ષના નેતા પણ તંત્ર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે.