વડોદરામાં હાઈવોલ્ટેજ ડ્રામા: વાડીમાં રોડ બનાવવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, પોલીસ બોલાવવી પડી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News: વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં આવેલા વાડી વિસ્તારમાં વાડી ટાવરથી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર સુધીનો નવો રસ્તો બનાવવાના મુદ્દે ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. રોડ કાર્પેટિંગની કામગીરી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ સ્થાનિક રહીશો વચ્ચે તીખી તકરાર થઈ હતી. સતત એક કલાક સુધી ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા અને હોબાળા બાદ આખરે પોલીસ બોલાવવી પડી હતી અને પોલીસ પ્રોટેક્શન હેઠળ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
રૂ. 9 લાખના ખર્ચે રોડ બનાવવાનું થયું હતું નક્કી
વડોદરા કોર્પોરેશન દ્વારા ગત બજેટમાં વાડી ટાવરથી મહાદેવ મંદિર સુધીનો રસ્તો રૂ. 9 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. આ મંજૂરીના આધારે કોર્પોરેશનની ટીમ દ્વારા સ્થળ પર રોડ કાર્પેટિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કોંગ્રેસના કોર્પોરેટરોએ કામ રોકવા આપી સલાહ
રોડનું કામ શરૂ થતાં જ કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપાબેન શ્રીવાસ્તવને આ અંગેની જાણ થઈ હતી. તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને કાર્પેટિંગ પર ફરી કાર્પેટિંગ એટલે કે રોડ પર રોડ ન બનાવવા માટે કોર્પોરેશનના અધિકારીઓને સલાહ આપી કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપ નેતાઓ પહોંચતા મામલો ગરમાયો
કોંગ્રેસ દ્વારા કામ અટકાવવામાં આવતા જ ભાજપના મહિલા કોર્પોરેટર દીપિકા પટ્ટણી અને અંકિતા સોની પણ સમર્થકો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. આ સાથે જ ભાજપના પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ અને વિજય પવાર સહિતના અન્ય આગેવાનો પણ ત્યાં પહોંચ્યા હતા. બંને પક્ષના નેતાઓ સામસામે આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું.
રહીશો પણ બે જૂથમાં વહેંચાયા
નેતાઓની લડાઈ વચ્ચે સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને રહીશોમાં પણ બે ફાટા જોવા મળ્યા હતા. કેટલાક રહીશોનું કહેવું હતું કે, વારંવાર રોડ પર રોડ કરવાથી રસ્તાનું લેવલ ઘણું ઊંચું આવી ગયું છે. આ વિસ્તારમાં ગાયકવાડી જમાનાની પાણીની લાઈનો હોવાથી ભવિષ્યમાં લાઈન રીપેરીંગના સમારકામ વખતે મોટી મુશ્કેલી ઊભી થશે. જ્યારે અન્ય રહીશોએ દલીલ કરી હતી કે, અગાઉના કોર્પોરેટરો સમક્ષ લાંબી રજૂઆતો કર્યા બાદ માંડ આ રસ્તો મંજૂર થયો છે, તેથી ગમે તેમ કરીને રસ્તાનું કામ પૂરું થવું જ જોઈએ.
આખરે પોલીસ બોલાવવી પડી
સ્થળ પર મામલો એટલો બિચક્યો કે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. સતત એક કલાક સુધી ચાલેલી અફરાતફરી બાદ આખરે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જતાં મામલો થાળે પડ્યો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ બનાવવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.









