વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી દેવા તાકીદ
Vadodara Corporation Tax : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2025-26માં વ્યવસાય વેરાની આવકનો લક્ષ્યાંક આશરે 63.25 કરોડ રાખ્યો છે. અત્યાર સુધીમાં કોર્પોરેશનને વ્યવસાય વેરાની 35.58 લાખ આવક થઈ છે .કોર્પોરેશન દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં કોર્પોરેશનની હદમાં વ્યવસાય કરતાં વ્યવસાયકોને વ્યવસાય વેરો ભરી દેવા સૂચના આપી છે. આ મુદત પૂરી થવા આડે દશ દિવસ બાકી છે. કોર્પોરેશનમાં પીઆરસી એટલે કે રજીસ્ટ્રેશનવાળા આશરે 45 હજાર ખાતા છે, અને પીઈસી એટલે કે એમ્પ્લોયરના અંદાજે 85,000 ખાતા છે. વ્યવસાય વેરો નહીં ભરાયો હોય તો વેરાના નાણા, વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલ કરવા મહેસુલી રાહે પગલાં કોર્પોરેશન લઈ શકે છે. આ વેરો ભરવાનો થતો હોય પરંતુ હજી સુધી રજીસ્ટ્રેશન કરાવેલું ન હોય અને વેરો પણ ભરેલો ન હોય તેવા કરદાતાઓને વેરો ભરી દેવા માટે જણાવાયું છે. કામે રાખનાર નિયત સમયમાં અથવા ડિમાન્ડ નિર્દેશ કરાય તે તારીખ સુધીમાં વેરો ન ભરે તો બાકી લેણું અને વેરાની રકમના 50% સુધી દંડને પાત્ર બને છે. 20થી વધુ વ્યક્તિ કામે રાખનારે દર ત્રણ મહિને અને 20 થી ઓછા કામે રાખનારને એક મહિને વ્યવસાય વેરો ભરવાનો હોય છે.