વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મોગલવાડા માર્કેટ સીલ કરાયું
ધંધાર્થીઓ ૧૦ વર્ષથી લાગત ફી ભરતા ન હતા ઃ અંદાજે ૮૦ લાખ ભરવાના બાકી
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજે પોલીસ બંદોબસ્ત સાથે વાડી મોગલવાડામાં આવેલા માર્કેટને સીલ કરી દીધું હતું.
વર્ષો અગાઉ કોર્પોરેશને વહીવટી વોર્ડ નંબર ૧૪માં આ મટન માર્કેટમાં ભાડાપટ્ટે ધંધાર્થીઓને ઓટલા ફાળવ્યા હતા અને વપરાશ ઉપયોગ બદલ તેની નિયત લાગત ફી નક્કી કરેલી હતી. ધંધાર્થીઓ છેલ્લા ૧૦ કરતા પણ વધુ વર્ષથી આ લાગત ફી ભરતા ન હતા. જેથી કોર્પોરેશન અવારનવાર તેઓને ફી ભરી દેવા જણાવતી હતી. કોર્પોરેશને અત્યાર સુધીમાં અંદાજે ૨૦ વખત લેખિત અને મૌખિક કહ્યું હતું, પરંતુ કોઇ પ્રતિસાદ ન મળતા આજે માર્કેટની ૨૧ દુકાન બંધ કરી સીલ મારી દીધું હતું. જ્યાં સુધી લાગત ફી નહીં ભરે ત્યાં સુધી માર્કેટ ખોલવામાં આવશે નહીં. જરૃર પડયે કાયમી ધોરણે કબજો પણ પરત લઇ લેવામાં આવશે. માત્ર એક જ ધંધાર્થીએ લાગત ફી ભરી હોવાથી તેને ધંધો કરવા માટે અંદર અલગથી જગ્યા ફાળવવામાં આવશે. વ્યાજ સહિત આશરે ૭૦ થી ૮૦ લાખ રૃપિયા ભરવાના બાકી નીકળે છે, એમ માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું હતું.