વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેકટ માટે અત્યાર સુધીમાં ૮૧ કરોડનો ખર્ચ કરાયો

વડોદરા,વિશ્વામિત્રી પ્રોજેકટને લગતી કામગીરી માટે સરકાર દ્વારા વડોદરા કોર્પોરેશનને અત્યાર સુધીમાં ૧૮૦ કરોડની ફાળવણી કરાઇ છે. જેમાંથી ૮૧ કરોડનો ખર્ચ કરાયો હોવાની વિગતો આરટીઆઇમાં બહાર આવી છે.
વડોદરામાં ગત વર્ષે વિશ્વામિત્રીના વિનાશક પૂર બાદ સરકારે ૧૨૫૦ કરોડની સહાય આપવાની ઘોષણા કરી હતી. વડોદરાને અત્યાર સુધીમાં કેટલા રૃપિયા મળ્યા છે, તેની વિગતો વડોદરા આરટીઆઇ વિકાસ મંચે કોર્પોરેશનની હિસાબી શાખામાં આરટીઆઇ કરીને માગી હતી.અત્યાર સુધીમાં વિશ્વામિત્રી પ્રોજેકટની ૩૧ કામગીરી કરી છે. જેમાં નદીમાં પહોળાઇ અને ઊંડાઇ વધારવી, નદીમાંથી માટી બહાર કાઢવાની, નદી કાંઠે ધોવાણ ન થાય તે માટે જીઓટેક્સ ટાઇલ કોઇરવુવનની કામગીરી, વન્યજીવોનું રેસ્ક્યૂ કરવું, કાંસ વ્યવસ્થિત કરવા અને સફાઇ કરવી, વરસાદી પાણીના નિકાલ માટે પાઇપો નાખવા, નેશનલ હાઇવેની સમાંતર કાંસના એપ્રોચમાં પાણીના નિકાલ માટે પાઇપો નાખવા, આજવા ડેમના જીઓફિઝિકલ ઇન્વેસ્ટિગેશન, ભૂખી કાંસ રિરૃટ કરવો વગેરે કામગીરીનો સમાવેશ થાય છે. હજી ૯૯ કરોડનું બેલેન્સ જમા છે, જેનો બાકી કામગીરીમાં ઉપયોગ શરૃ કરવા મંચે માગ કરી છે.









