Vadodara News: વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીમાં લાઇવ કોન્સર્ટ ઇવેન્ટના કથિત કૌભાંડના આક્ષેપ સાથે રજૂઆત કરવા આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. નવાપુરા પોલીસે પાર્ટીના પ્રમુખ સહિત 9 કાર્યકરોની જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરી હતી.
'કોઈ પરવાનગી વગર આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા'
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યુરિટી ગાર્ડ કિશન ગવલીની ફરિયાદ મુજબ, તેઓ અન્ય સિક્યુરિટી ગાર્ડ સાથે મ્યુનિસિપલ કમિશ્નરની કચેરીના મુખ્ય દરવાજા પર ફરજ બજાવી રહ્યા હતા. બપોરે લગભગ ત્રણ વાગ્યે આમ આદમી પાર્ટીના કાર્યકરો કોઈ પરવાનગી વગર આવેદનપત્ર આપવા માટે કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હલ્લાબોલ કરી કામકાજમાં અડચણ ઊભી કરી હતી અને સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું.
AAPના શહેર પ્રમુખ સહિત 9 કાર્યકરોની ધરપકડ
વિરોધ કરનારા આપ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પોલીસને હાથમાં કાગળની ફાઇલ રાખીને કહેતા જોવા મળ્યા હતા કે, 'પાલિકાએ ફ્રોડ કર્યું છે તેના પુરાવા છે મારી પાસે, મારી ફરિયાદ પહેલા લેજો', જો કે પોલીસે આપ કાર્યકરોની વાત અવગણી હતી જે બાદ ઉહાપોહ થતાં કાર્યકરોની ટિંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. જાહેરનામા ભંગ અને સિક્યુરિટી સ્ટાફની ફરજમાં અડચણ આરોપસર 9 જેટલા આપ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
બોલો! એક લાઇવ ઇવેન્ટનું બિલ 62 લાખ મૂક્યું
ગઈકાલે 20 જાન્યુઆરીના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન(VMC)ની સામાન્ય સભા મળી હતી જેમાં પણ કોર્પોરેટર આશિષ જોષીએ દિવાળી દરમિયાન થયેલી લાઇવ ઇવેન્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આરોપો મૂક્યા હતા, તેમણે દાવો કરતાં કહ્યું કે 'ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ માટે 9 લાખ, જનરેટર ભાડું 6 લાખ, ખુરશી-સોફા 1.76 લાખ, રેડ કાર્પેટ 88 હજાર, સ્ટેજ-લાઇટિંગ 26 લાખ અને પરચૂરણ ખર્ચ 5 લાખ 34 હજારનો બતાવવામાં આવ્યા છે. કુલ 62 લાખનું બિલ મૂકવામાં આવ્યું છે.'
કથિત કૌભાંડની ગંધ!
જો કે બિલમાં ગડબડ જણાતાં ઑડિટ વિભાગે હજી સુધી બિલ મંજૂર કર્યું નથી. પણ એક રાત(ચાર-પાંચ કલાક)ની લાઇવ કોન્સર્ટ પાછળ આટલો જંગી ખર્ચ કેવી થાય તે સવાલનો જવાબ આપવામાં અધિકારીઓ અને નેતાઓનો પરસેવો છૂટી રહ્યો છે. તો બીજી તરફ વડોદરાના મેયર પિંકીબહેન સોનીએ ગોળગોળ જવાબ આપતાં કહ્યું કે, અમારા દ્વારા સૂચના આપવામાં આવી છે કે આ અંગે કમિશ્નર અને જવાબદાર અધિકારીઓ યોગ્ય તપાસ કરે.


