પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ(ટેન્ક) બનાવવામાં ગંભીર ગેરરીતી : મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના LPG ટેન્કર બનાવ્યાનો પર્દાફાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મોક્સી ગામે આવેલી કંપની દ્વારા પેટ્રોલિયમ કંપની માટે એલપીજી સહિત અન્ય ગેસની હેરાફેરી માટે બનાવાતા વેસલ્સ (ટેન્કર) ખૂબ હલકી કક્ષાના બનાવી જાહેર આરોગ્ય અને જીવન સાથે ચેડા કરવાનું મોટુ નેટવર્ક ખુલ્લુ પડ્યા બાદ પેસો દ્વારા આખરે કંપની તેમજ સર્ટિફિકેટ ઈસ્યૂ કરનાર કોલકત્તાની કંપનીના બે ઈન્સ્પેક્ટરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વડોદરાના વડસર વિસ્તારમાં આવેલી કન્ટ્રોલર ઓફ એક્સપ્લોઝિવની - કચેરીના જોઈન્ટ ચીફ કન્ટ્રોલર અશોકકુમાર પુરુષોત્તમ કુમારે કોલકત્તામાં રહેતા એ. ભટ્ટાચાર્ય, જે. ચૌધરી અને સાંકરદા-ભાદરવારોડ પર મોક્સી ગામની સીમમાં આવેલી શ્રીધર ઇન્ડસ્ટ્રિઝ કંપની સામે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપો કર્યા છે કે અમારી ઓફિસ પેટ્રોલિયમ એક્ટ તથા એક્સપ્લોઝિવ એક્ટમાં આવતા નિયમોનું પાલન અને દેખરેખ રાખવાનું કામ કરે છે. મે-2024માં પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પેસો)ના નાગપુર ખાતેના હેડક્વાર્ટર પર મોબાઈલ પ્રેશર વેસલ્સની બનાવટમાં ગેરરીતિઓ થતી હોવાની ફરિયાદ ઈમેલથી થઈ હતી જેથી જાન્યુઆરી-2025માં ઓફિસ તેમજ થર્ડ પાર્ટી ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા એલપીજી ટેન્કરનું ઈન્સ્પેક્શન કરાવાતા ધ્યાન પર આવ્યું હતું કે પેસો દ્વારા વેસલ્સ(ટેક) બનાવવા એપ્રુવલ આપવામાં આવેલી કંપની શ્રીધર ઇન્ડસ્ટ્રિઝ દ્વારા ટેન્કર બનાવી પેસો દ્વારા લાઇસન્સ ઇસ્યૂ કરવામાં આવ્યું છે.
તપાસ દરમિયાન ટેન્કરની બનાવટમાં ગંભીર ક્ષતિઓ જણાઇ હતી. ટેન્કની જાડાઈ 18 એમએમના બદલે 16.92 એમએમથી પણ ઓછી હતી. ઇસી્યૂ થયેલા સર્ટિફિકેટની તપાસ કરતા મેસર્સ ઇન્ડસ્ટ્રિયલ મેનેજમેન્ટ કાઉન્સિલ (તુર્ક રોડ, કોલકત્તા, પશ્ચિમ બંગાળ) દ્વારા ખોટી માહિતી લખવામાં આવી હતી. આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે લોકોની જિંદગી જોખમમાં મૂકાય અથવા બીજાને નુકસાન થવાની સંભાવના હોવાનું જણાયું હતું.
આ કંપનીએ વેસલ્સ (ટેન્ક) બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ કામગીરી જોવાની ફરજ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી વેસલ્સ બનાવવાની ખોટી માહિતી લખી હતી અને તે કંપનીના ઇન્સ્પેક્ટરો એ. ભટ્ટાચાર્ય અને જે. ચૌધરીએ સર્ટિફિકેટ ઈસ્યૂ કર્યા હતાં.









