ડો.વિજય શ્રીવાસ્તવને સાંસદનો ઈ-મેઈલ, વીસીનો બંગલો મહેરબાની કરીને ખાલી કરો
વડોદરાઃ શિક્ષણ વિભાગના માનીતા ગણાતા એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામુ આપ્યાના લગભગ એક મહિના બાદ પણ વાઈસ ચાન્સેલરના બંગલામાં જ રહી રહ્યા છે.બોર્ડ ઓફ મેનેજમેન્ટે આપેલી સમય મર્યાદા પૂરી થયા બાદ પણ તેઓ બંગલામાંથી જવા તૈયાર નથી ત્યારે હવે વડોદરાના સાંસદે ડો.શ્રીવાસ્તવને એક ઈ મેઈલ પાઠવીને વહેલી તકે બંગલો ખાલી કરવા માટે વિનંતી કરી છે.
સાંસદે ઈ-મેઈલમાં જણાવ્યું છે કે, બહુ દુખ સાથે કહેવુ પટે છે કે અગાઉ તમે વાઈસ ચાન્સેલર તરીકેની શૈક્ષણિક લાયકાત નહીં ધરાવતા હોવા છતા ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા.તમારે સમજવાની જરુર છે કે, એમ.એસ.યુનિવર્સિટી સામાન્ય શૈક્ષણિક સંસ્થા નથી.આ યુનિવર્સિટી દરેક વડોદરાવાસીના દિલમાં સ્થાન ધરાવે છે અને ભારતમાં તેની આગવી પ્રતિષ્ઠા છે.તમે આ સંસ્થાની પ્રતિષ્ઠાની ધૂળધાણી કરી છે તે અંગે અત્યારે મારે વાત નથી કરવી પરંતુ હું તમને વાઈસ ચાન્સેલરનું નિવાસ સ્થાન ખાલી કરવા માટે વિનંતી કરુ છું.જેમાં તમે ફેબુ્રઆરી મહિનાથી ગેરવ્યાજબી રીતે રહી ગયા છે.તમને જરુર હોય તો વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી આપવા માટે હું તૈયાર છું.પરંતુ તમે ગેરકાયદેસ રીતે વીસી બંગલામાં રહેતા હોવાથી યુનિવર્સિટીનું તંત્ર પણ અટવાઈ રહ્યું છે.આશા છે કે, તમે આ વાતને સમજી શકશો.
દરમિયાન સાંસદે આ ઈ મેઈલ રાજ્યના મુખ્યમંત્રી અને ઉચ્ચ શિક્ષણ મંત્રીને પણ મોકલી આપ્યો હોવાથી શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી ગયો છે.કારણકે ડો.શ્રીવાસ્તવ સામે બોલવાની હિંમત કોઈ કરી રહ્યું નથી.એટલે સુધી કે ડો.શ્રીવાસ્તવે બંગલા બહાર પોતાના નામની નેમ પ્લેટ પણ હટાવી નથી અને ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલ કે રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા આ નેમ પ્લેટ હટાવતા પણ ગભરાઈ રહ્યા છે.