વડોદરા: કન્ટેનરમાં ચોરખાનું બનાવીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું નેટવર્ક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પંજાબ હરિયાણાથી ચોરખાનામાં દારૂ ભરીને નીકળેલુ કન્ટેનર ટૂંકો રૂટ અપનાવવાના બદલે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈ દક્ષિણ ગુજરાત પહોંચી નવાપુરા બોર્ડર પરથી મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ ભારતમાલા હાઇવે પરથી જતી વખતે વડોદરા પાસેથી જિલ્લા પોલીસે ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ ભારતમાલા હાઇવે પર ગઇ રાત્રે જિલ્લા એલસીબીના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી માહિતીના આધારે સમ્યાલા પાસેથી રાજસ્થાન પાસીંગના એક કન્ટેનરને રોકી ડ્રાઇવરની પૂછપરછ કરતા તેને પોતાનું નામ ગોકલારામ પદ્મારામ જાટ રહે રાજસ્થાન જણાવ્યું હતું. ડ્રાઇવરને સાથે રાખી કન્ટેનરમાં દરવાજો ખોલવતા કન્ટેનર ખાલી જણાયુ હતું જ્યારે કન્ટેનરની ઉપરની સાઈડે એક ગુપ્ત ખાનું જણાતા તે ખાનું ખોલીને તપાસ કરતા દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. કન્ટેનરના ઉપરના ભાગે બનાવેલા ગુપ્ત ચોરખાનામા દારૂની પેટીઓ ભરેલી હતી. પ્રથમ દ્રષ્ટિએ ટ્રક ખાલી છે તેમ લાગે પરંતુ જ્યારે ઉપરની સાઈડે તપાસ કરવામાં આવી ત્યારે ખાનું જોઈને પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસે રૂ.94.23 લાખ કિંમતની દારૂની 16620 નંગ બોટલો, ટ્રક, મોબાઈલ સહિત કુલ રૂ.1.09 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે રાજસ્થાનના રોહનલાલ બુધરામ બિસનોઇએ ચાર દિવસ પહેલા ગુજરાતમાં દારૂના ફેરા માટે જણાવ્યું હતું અને કન્ટેનર પંજાબ હરિયાણાની બોર્ડર ઉપર લુધિયાના રોડ પરથી રાજપુરા પાસે 30કિલોમીટર દૂર ચંડીગઢ નજીકના એક ગોડાઉનમાં લઈ ગયા હતા ત્યારબાદ કન્ટેનરમાં દારૂ ભરાવીને ગુજરાત જવા જણાવ્યું હતું ઉપરોક્ત દારૂના જથ્થા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









