જમીન વિવાદમાં વકીલ મયંક પટેલ અને તેની માતા સામેની ફરિયાદ મામલે વડોદરા વકીલ મંડળ મેદાને, નિષ્પક્ષ તપાસની કરી માગ
Vadoadra : વકીલ મયંક પટેલ અને તેની માતા સામે હિંગલોટ ગામની સીમમાં આવેલ જમીન માટે 65 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સામે વડોદરા વકીલ મંડળે ફરિયાદ અને પોલીસની કાર્યવાહી ઉપર શંકા ઉપજાવી વડોદરા ગ્રામ્ય એસપી સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
વડોદરા તાલુકાના હિંગલોટ ગામે ગણોત ધારા હેઠળની જમીન આવેલી છે. આ જમીન સેવાસી ગામના વકીલ મયંક રમેશભાઈ પટેલ અને તેની માતા વિજયાબેન બિનખેતીની જમીન છે કહી તરસાલી વિસ્તારમાં રહેતા વેપારીને વેચાણે આપી હતી. તે માટે રૂપિયા 65 લાખ પડાવી લીધા હતા. પરંતુ જમીન બિન ખેતીની નહીં હોવાથી વેપારી છેતરાયા હોવાથી તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સામે વડોદરા વકીલ મંડળે વાંધો ઉઠાવ્યો છે. અને કારોબારી સભ્યોની તાકીદની બેઠક બોલાવી વકીલ મયંક પટેલ સામે થયેલ ફરિયાદની નિષ્પક્ષ તપાસ માટે વડોદરા ગ્રામ્ય અને એસપીને રજૂઆત બાબતે ઠરાવ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદમાં દીવાની તકરાર રહેલી છે. બાનાખત કરારનો વિશેષ રીતે અમલ કરાવી લેવાનો દાવો કરવાના સ્થાને ફરિયાદીએ શોર્ટકટ અજમાવી ખોટી ફરિયાદ કરી હોવાનું વડોદરા વકીલ મંડળના સભ્યોનું માનવું છે. આધાર પુરાવા વગરની આ ફરિયાદ વડોદરા વકીલ મંડળ વખોડી કાઢે છે. પોલીસે ફરિયાદ સ્વીકારવામાં ઉતાવળ દાખવી હોય શંકાસ્પદ છે.