વડોદરા: ચોખ્ખા પાણીની બચત કરવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ વધારવા તાકીદ
વડોદરા કોર્પોરેશન ખાતે રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી અંતર્ગત સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી. જેમાં કોર્પોરેશનના તમામ ગાર્ડન અને અર્બન ફોરેસ્ટમાં ટ્રીટેડ વેસ્ટ વોટરનો જ ઉપયોગ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત રોડ ક્લિનિંગ અને સુવર ક્લિનિંગ મશીનરીમાં પણ આ જ પાણીનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે કહ્યું હતું. આ પોલિસી હેઠળ પાલિકા દ્વારા પૂર્ણ થયેલ પ્રોજેક્ટ, ચાલુ પ્રોજેકટ, આગામી પ્લાનિંગ હેઠળના પ્રોજેક્ટ અને શહે૨ તથા શહે૨ બહાર ઔધોગિક એકમોમાં પાલિકા દ્વારા વિવિધ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ ક૨વામાં આવતા વેસ્ટ વોટરનો વધુ ઉપયોગ કરીને ચોખ્ખા પાણીની બચત થાય તે અંગે ચર્ચા કરી હતી. ઉદ્યોગોને આવા પાણીનો વપરાશ કરી ચોખ્ખા પાણીની બચત થાય તે માટેનો એક્શન પ્લાન તૈયાર કરીને તે મુજબ કામગીરી કરવા ભલામણ કરાઈ હતી. તાજેતરમાં જાહેર થયેલા સ્વચ્છ સર્વેક્ષણની થીમ પણ રીડ્યુસ, રીડયુઝ અને રિસાયકલ રાખી હતી. જેમાં પીવાના શુદ્ધ પાણીની બચત થાય અને ડ્રેનેજનું પાણી રીયુઝ અને રિસાયકલ કરવા પર ભાર મુકાયો હતો.
કોર્પોરેશનના વર્તુળોએ જણાવ્યું હતું કે, હાલ કોર્પોરેશનના વિવિધ સ્થળે આવેલા અર્બન ફોરેસ્ટમાં ઝાડપાનને પાણી પીવડાવવા ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત રોડની વચ્ચે ડિવાઇડર પર કરેલા પ્લાન્ટેશન અને ફૂટપાથ પર ઝાડ-પાનના કરેલા બ્યુટીફિકેશનને સુએજનું ટ્રીટ કરેલું પાણી ટેન્કર દ્વારા આપવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા છાણી ખાતે 42 એમએલડી ક્ષમતાના વેસ્ટ વોટર પ્લાન્ટથી ઉદ્યોગોને પાણી સપ્લાય કરવાની કામગીરીનું આયોજન હાથ ધર્યું છે. રાજીવ નગર સ્થિત 78 એમએલડી સુએઝ પ્લાન્ટ ખાતે 60 એમએલડી ક્ષમતાના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી કંપનીઓને ટ્રીટેડ વોટર આપવાની કામગીરી પૂર્ણ થયા બાદ સપ્લાય ચાલુ કરવામાં આવ્યો છે.