એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત
વડોદરાઃ વડોદરાથી પાદરા, સાવલી, વાઘોડિયાની જીઆઈડીસી જવાના રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા વધારે ને વધારે વકરી રહી છે.જેના કારણે હજારો ઉદ્યોગોને સહન કરવાનો વારો આવી રહ્યો છે.શહેરમાં રહેતા અને ઉપરોક્ત જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને પણ ટ્રાફિક જામના કારણે હેરાન થવું પડે છે.
આ સંજોગોમાં ઉદ્યોગો દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ઉભી કરે તેવી માગણી ઉદ્યોગો કરી રહ્યા છે.વડોદરાના ઔદ્યોગિક સંગઠન એફજીઆઈ( ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ)દ્વારા ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને વડોદરાના સાંસદ વચ્ચે ઉદ્યોગોને કનડતી સમસ્યાઓની જાણકારી આપવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉદ્યોગકારોએ ઉપરોક્ત મુદ્દે રજૂઆત કરવાની સાથે સાથે પાદરા અને વાઘોડિયા જેવા રુટ પર મેટ્રો ટ્રેન પ્રોજેકટ પર વિચારણા કરવા માટે પણ સૂચન કર્યું હતું.
સાથે સાથે ઉદ્યોગોની રજૂઆત હતી કે, ગંભીરા બ્રિજ તુટી ગયા બાદ હવે પાદરા તરફ ઉદ્યોગોમાં કામ કરવા માટે આવતા આણંદ અને ઉમેટા તરફના લોકોને ૮૦ કિલોમીટર વધારે અંતર કાપવુ પડે છે તો નવો બ્રિજ બે વર્ષ કરતા પણ ઓછા સમયમાં બનાવવા પર ધ્યાન આપવામાં આવે અને તેની સાથે ભારતીય સેનાની મદદથી ગંભીરા બ્રિજના વિકલ્પ તરીકે કામચલાઉ ધોરણે જો બ્રિજ બનાવી શકાતો હોય તો તેના પર કાર્યવાહી કરવામાં આવે.
ઉદ્યોગોએ આ બેઠકમાં ફરી એક વખત વડોદરાને વધારે ફ્લાઈટો ફાળવવામાં આવે તેવી પણ રજૂઆતકરી હતી.જોકે આ મુદ્દા પર અગાઉ પણ વારંવાર રજૂઆત કરી હોવા છતા કેન્દ્ર સરકારે ધ્યાન આપ્યું નથી.