Get The App

વડોદરા: હરણી અંબે સ્કૂલના વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા આરોગ્યની ટીમની તપાસ

Updated: Dec 31st, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા: હરણી અંબે સ્કૂલના વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા આરોગ્યની ટીમની તપાસ 1 - image


વડોદરા, તા. 31 ડિસેમ્બર

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલનો ધોરણ 11નો વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયો છે. જોકે વિદ્યાર્થી ઓનલાઈન અભ્યાસમાં હાજર રહ્યો હોવાથી શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ રાહતનો દમ લીધો છે. જોકે સમગ્ર ઘટનાની જાણ પાલિકાને થતાં આજે મેડિકલ ટીમ દ્વારા શાળામાં કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી હતી.

ચાલુ માસ દરમિયાન એમિક્રોનની સાથોસાથ શહેરમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોરોનામાં અગાઉ નવરચના સહિતની શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. ત્યારે હવે બાળકોને સ્કુલે મોકલવાના બદલે વાલીઓ ઓનલાઇન શિક્ષણ પર ભાર આપવા લાગ્યા છે. જેના કારણે શહેરની તમામ સ્કુલોમાં ઓફલાઈન વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર ઘટી ગઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થવાના બનાવો વધી રહ્યા છે. આ વચ્ચે રિધમ હોસ્પિટલ પાછળ આવેલી અંબે સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયો છે. વિદ્યાર્થીને છેલ્લા છેલ્લા કેટલાક દિવસથી શરદી, ખાંસી વગેરે જેવી તકલીફ શરૂ થઇ હતી. જેમાં તેના પિતાને કોરોના થયો હોવાથી તેની પણ તબિયત લથડવા માડી હતી. આખરે આ વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અંબે સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની જાણ પાલિકાના આરોગ્ય વિભાગને થઈ હતી. આ સાથે આજે સવારથી મેડિકલ ટીમો શાળા સંકુલ ખાતે ઉતારી દેવામાં આવી હતી અને જે વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે તેના સંપર્કમાં આવેલા સહ અભ્યાસુઓ તેમજ શિક્ષકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું માસ ટેસ્ટીંગ શરૂ કર્યું છે. જોકે શાળા તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થી માત્ર ઓનલાઇન અભ્યાસ સાથે સંકળાયેલો હતો જેથી કોઈ ચિંતાનો વિષય નથી. અત્રે નોંધનીય છે કે, જો કોઈ ઘરમાં પરિવારનો સભ્ય કોરોનામાં સપડાય છે તો તેના વાલીઓએ પોતાના બાળકને સ્કૂલે જતા મોકલવાનો બંધ કરવો અન્ય વિદ્યાર્થીઓના હિતમાં છે.

Tags :