- વેપારીએ એ-ડિવિઝન પોલીસે મથકે ફરિયાદ નોંધાવી
- શરૂઆતમાં નાના વ્યવહારમાં નિયમિત ચુકવણી કરી વિશ્વાસ કેળવી વધુ ખરીદી કરી કરોડનો ધુંબો માયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા ધવલભાઈ મંડલી સાથે વડોદરાના વેપારી યતીનભાઈ હર્ષદભાઈ આડેસરાએ અંદાજે રૂ. એક કરોડથી વધુની છેતરપિંડી આચરતા ચકચાર મચી છે. સોની વ્યવસાયમાં વર્ષોની મહેનતથી કમાયેલી મૂડી અને મજૂરીના નાણાં ડૂબી જતાં કારીગરેે સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના યતીનભાઈ આડેસરાએ ધવલભાઈ સાથે વ્યવસાયિક સંબંધો કેળવ્યા હતા. શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ જીત્યા બાદ, યતીનભાઈએ પોતાની દુકાન માટે મોટા પ્રમાણમાં સોનાના ઘરેણાં બનાવડાવ્યા હતા. ધવલભાઈએ બજારમાંથી સોનું ખરીદીને દાગીના તૈયાર કર્યા હતા, પરંતુ લાંબા સમયથી તેની મજૂરી અને સોનાની કિંમત ચૂકવવામાં આવતી નહોતી.
જ્યારે બાકી રકમ રૂ.૧,૦૦,૯૮,૫૫૭ને વટાવી ગઈ, ત્યારે ધવલભાઈએ નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી. જોકે, યતીનભાઈએ ફોન ઉપાડવાનું બંધ કરી સંપર્ક તોડી નાખતા ધવલભાઈને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની અને આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવથી સ્થાનિક સોની બજારમાં પણ ભારે ઉહાપોહ જોવા મળી રહ્યો છે.


