વડોદરા: દોઢ માસમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરી કરનાર સીકલીગર ત્રિપુટી ઝડપાઈ: 5 ગુનાના ભેદ ઉકેલાયા
વડોદરા શહેરમાં છેલ્લા દોઢ માસમાં બંધ મકાનને ટારગેટ કરી રાત્રી ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપતા ત્રણ રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ત્રણ આરોપીની ધરપકડ થતા ઘરફોડ-વાહન ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી રૂ. 6.46 લાખનો મુદ્દામાલ કબજે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં બનતા ઘરફોડ ચોરીના અને વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવાની અને આ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓ કરતાં ઇસમોને શોધી અનડીટેકટ ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવાની પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા સૂચના કરવામાં આવી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ વડોદરા શહેરમાં બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન મળેલી માહીતી આધારે ટીમે વિશ્વામિત્રી રોડ ગુજરાત ટ્રેકટર સામે શ્રીમ કોમ્પલેક્ષની બાજુમા ખુલ્લા મેદાને તપાસ જતા બે બાઈક સાથે ત્રણ શખ્સો શમશેરસિંગ ઉર્ફે ઢબુસિંગ માનર્સિંગ ટાંક (શિકલીગર, રહે. ગામ ભાયલી તા.જી.વડોદરા), બચ્ચુસિંગ ઉર્ફે જશપાલસિંગ મનજીતસિંગ દુધાની (શિકલીગર, રહે. વારશિયા ખારી તલાવડી તથા વિશ્વામિત્રી મહાકાળીનગર વડોદરા) તથા મહેન્દ્રસિંગ જીતસિંગ દુધાની (શિકલીગર, રહે વારશિયા ખારી તલાવડી વડોદરાના) ને ઝડપી પાડ્યા હતા. તેઓની ઝડતી કરવામાં આવતા તેમની પાસેથી રોકડ રૂ.1.65 લાખ, સોનાચાંદીના દાગીનાઓ રૂ.3.65 લાખ, બે કાંડા ઘડીયાળ, બે બાઈક સહિત વાંદરીપાનુ, ડીસ- મીસ, ટોર્ચ મળી રૂ. 6.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ત્રણેયની પુછપરછ કરતા તેઓએ છેલ્લા દોઢ માસથી વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારના બંધ મકાનોને ટારગેટ કર્યા હતા તેમજ ગોરવા ખાતેથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી આરોપીઓ ગોત્રી, ગોરવા, માંજલપુર અને રાવપુરા પો.સ્ટે.માં નોંધાયેલા હોય તેમને ત્યાં સોંપવાની કાર્યવાહી કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. જેમાં શમશેરસિંગ ઉર્ફે ઢબુસિંગ સામે અગાઉ વડોદરા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નીચે મુજબના ઘરફોડ-વાહન ચોરી સહીતના 19 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે આરોપી બચ્ચુંર્સિંગ ઉર્ફે જશપાલસિંગ સામે અગાઉ વડોદરા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં 10 તથા મહેન્દ્રસિંગ જીતસિંગ સામે 4 ગુના નોંધાયેલા છે.