Gujarat

વડોદરાના ફાઇનાન્સરે આર.સી.બુકમાં ચેડાં કરી આણંદના વેપારીને ટેમ્પો વેચી દીધો

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
આણંદના વેપારીને વડોદરાના મેમો આવતા ભાંડો ફૂટયો : વડોદરામાં ફાઇનાન્સર અને ગાડી લે-વેચનો ધંધો કરતા આરોપીને પોલીસે ઝડપી પાડયા

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ફાઇનાન્સરે આર.સી.બુકમાં ચેડાં કરી આણંદના વેપારીને ટેમ્પો વેચી દીધો

Vadodara : વડોદરા ટ્રાફિક ઓફિસમાં જમા થઇ ગયેલા ટેમ્પાના નંબરનો ઉપયોગ કરી ફાઇનાન્સર અને ગાડી લે-વેચનો ધંધો કરતા આરોપીઓએ ભેગા મળીને આણંદના વેપારીને ટેમ્પો વેચી દીધો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે.

 આણંદ જિલ્લાના ફતેપુરામાં રહેતા ઇમરાનભાઇ અનવરભાઇ મિર્ઝા શાકભાજી અને ફ્રૂટનો વેપાર કરે છે. તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેં એક ટેમ્પો આરીફ અનવરભાઇ  પઠાણ (રહે. ગૌતમ સારાભાઇ સોસાયટી. તાંદલજા, વડોદરા) પાસેથી જૂન-2025 માં 1.10 લાખમાં લીધો હતો. તેનું વેચાણ બાનાખત બનાવ્યું હતું. આરીફે કહ્યું હતું કે, હું ટેમ્પો તમારા નામ પર કરી આપીશ. ત્યારબાદ આરીફે આર.સી.બુક મારા નામ પર ટ્રાન્સફર કરી આપી હતી. થોડા સમય પછી હું ટેમ્પો વેચવા ગયો હતો. ત્યારે મને ખબર પડી કે, આ ટેમ્પા પર મેમો આવ્યા છે. જે મેમો ભર્યા નહીં હોવાથી ટેમ્પો વેચાણ થાય નહીં. મેં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મેમો માંજલપુર કેદારધામ ખાતેના હતા. પરંતુ, હું ત્યાં ગયો ન હતો. જેથી, આ અંગે મેં માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરીફે આ ટેમ્પો મહેબૂબમીંયા અબુમીંયા શેખ (રહે. યાકુતપુરા) પાસેથી લઇ મને આપ્યો છે. તે ટેમ્પાની નંબર પ્લેટ ખોટી લગાવી છે. મને જે નંબરવાળો ટેમ્પો આપ્યો હતો. તે નંબરવાળા ટેમ્પાના માલિક રાજેશ બાલુભાઇ વણકર (રહે. તરૃણ નગર, છાણી જકાત નાકા, વડોદરા) છે. તેમણે આ ટેમ્પો મહેબૂબમીંયા પાસેથી ફાઇનાન્સ પર લીધો હતો. તેની આર.સી.બુક મહેબૂબભાઇ પાસે હતા. તેનો ફાયદો ઉઠાવી આર.સી.બુકમાં ચેડાં કરીને મને ખોટી નંબર પ્લેટવાળો ટેમ્પો આપ્યો હતો. મને જે નંબરનો ટેમ્પો આપ્યો  હતો. તે નંબરનો અસલ ટેમ્પો સયાજીગંજ ટ્રાફિક ઓફિસમાં છે. આરોપીએ આ કૃત્ય કેમ કર્યું તે અંગે જાણકારી મેળવવા પોલીસે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.