Get The App

ગુજરાતમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાંથી વડોદરા બાકાત

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાંથી વડોદરા બાકાત 1 - image

વડોદરાઃ ગુજરાત ટુરિઝમ દ્વારા જાન્યુઆરી મહિનામાં  યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાંથી વડોદરાની બાદબાકી કરી દેવામાં આવી છે.જેની સામે ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર્સ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે અને સરકારમાં તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો સમક્ષ રજૂઆત પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં લગભગ ૨૫ પતંગબાજો એવા છે જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં કલાત્મક પતંગો બનાવીને ભાગ લે છે.વડોદરામાં ૨૦૦૧થી અમદાવાદની સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાનું શરુ કરાયું હતું અને એ પછી ગુજરાતના બીજા શહેરોનો પણ સમાવેશ થયો હતો.સંગઠનનું કહેવું છે કે, આ વખતે કોઈ અગમ્ય કારણસર વડોદરાની બાદબાકી કરી દેવામાં આવી છે.ગુજરાત ટુરિઝમે જાહેર કરેલા કાર્યક્રમમાં રાજકોટ, સુરત, ધોલાવીરા, શિવરાજપુર, એકતાનગર, વડનગર અને અમદાવાદનો સમાવેશ કરાયો છે પણ વડોદરાનું નામ નથી.જ્યારે વડોદરા તો કલા એન ઉત્સવનગરી છે ત્યારે વડોદરાને બાકાત રાખીને શહેરીજનો સાથે અન્યાય કરવામાં આવ્યો છે.વડોદરાના આગેવાનો સરકારમાં આ મુદ્દે રજૂઆત કરે તે જરુરી છે.

વડોદરાના પતંગોત્સવના ફોટોગ્રાફ પણ હટાવાયા 

ઈન્ટરનેશલ કાઈટ ફલાયર્સ એસોસિએશન સાથે સંકળાયેલા પતંગબાજોનું કહેવું છે કે, અચાનક જ  વડોદરાને સાઈડ લાઈન કરવા પાછળનું કારણ અટકળોનો વિષય છે.ગુજરાત ટુરિઝમની વેબસાઈટ પર પતંગોત્સવના સેક્શનમાંથી વડોદરાને લગતી જાણકારી જ હટાવી લેવાઈ છે.વડોદરામાં ભૂતકાળમાં યોજાયેલા પતંગોત્સવના ફોટોગ્રાફ પણ દૂર કરાયા છે.જ્યારે બાકીની શહેરોની તસવીરી ઝલક જોઈ શકાય છે.