વડોદરામાં શ્રમજીવી પરિવારને કચડી નાખનાર આરોપીની ધરપકડ, કારમાંથી દારૂની બોટલો મળી

Vadodara Hit and Run: વડોદરામાં મંગળવારે (21 ઓક્ટોબર) મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક નશામાં ધૂત કારચાલકે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવારને કચડી નાખતા 4 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય ચાર શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલક નીતિન ઝાની ધરપકડ કરી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી અનુસાર, આ હૃદયદ્રાવક ઘટના શહેરના અવધૂત ફાટક નજીક વિશ્વામિત્રી રોડ પર મોડી રાત્રે બની હતી. કારચાલક નીતિન ઝા બેફામ ગતિએ કાર હંકારી રહ્યો હતો અને નશામાં હોવાથી તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર સીધી ફૂટપાથ પર ચડી ગઈ અને ત્યાં સૂતેલા શ્રમિક પરિવારને કચડી નાંખ્યા હતા.
આ અકસ્માતમાં 4 વર્ષના માસૂમ બાળક નીતિન પર કારના પૈડાં ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક બાળકની ઓળખ નીતિન તરીકે થઈ છે. ઉપરાંત, સોનિયાબહેન અને આશાબહેન સહિત અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આરોપી ઝડપાયો, કારમાંથી દારૂ મળ્યો
અકસ્માત સર્જ્યા બાદ કારચાલક નીતિન ઝા કાર લઈને ભાગી છૂટ્યો હતો. જોકે, ત્યાં હાજર જાગૃત લોકોએ તેનો પીછો કર્યો અને તેને અક્ષર ચોક નજીક ઝડપી પાડ્યો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જે પોલીસે કબ્જે કરી છે.
આ ઘટના અંગે પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આરોપી નીતિન ઝા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે આરોપી નશામાં હતો. હાલમાં આરોપીના બ્લડ સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.