કરોડોની મિલકત જાળવવામાં વડોદરા જિલ્લા પંચાયત નિષ્ફળ,મહત્વની જમીનો સરકારે લઇ લીધી

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના શાસકોની ઢીલી નીતિ અને વિકાસના વિઝનને અભાવે છેલ્લા અઢી દાયકામાં જિલ્લા પંચાયતની કરોડોની મિલકત રાજ્ય અને હાઇવે ઓથોરિટીને હસ્તક ચાલી ગઇ છે.જો સત્તાધારી પક્ષનું ચાલ્યું હોત તો વિકાસના નામે ચાલી ગયેલી મિલકતો બચાવી શક્યા હોત અથવા તો તેના બદલામાં મોટી યોજનાઓ મળી શકી હોત.
વડોદરા જિલ્લા પંચાયતની મિલકતોની ગણતરી અને જાળવણી બાબતે ચૂંટાયેલી પાંખ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે.પરંતુ હાલમાં કરોડોની કિંમતની આંકી શકાય તેવી અનેક મિલકતો સાચવવામાં કે તેના બદલામાં સરકાર પાસે યોગ્ય વળતર મેળવવામાં પંચાયતના તંત્રએ કાંઇ કાઠું કાઢ્યું હોય તેમ લાગતું નથી.
રાજ્ય સરકારની ગ્રાન્ટ,સ્વભંડોળ અને રેતી કંકરની આવક પર નભતા જિલ્લા પંચાયત પાસે કરોડોની મિલકતો હતી.જેનો ઉપયોગ કરીને સ્વભંડોળની આવક ઉભી કરી શકાય તેમ હતું.પરંતુ અનેક મિલકતો રાજ્ય સરકારે વિકાસના નામે લઇ લીધી છે.જેના બદલામાં પંચાયત અને ગ્રામજનોના હિતમાં સારો એવો સોદો પણ થઇ શક્યો નથી.રાજ્ય સરકાર જે કામો અન્ય પંચાયતોમાં કરે છે તે જ કામો વડોદરા જિલ્લામાં થઇ રહ્યા છે.
![]() |
| vadhvana lake |
હરણી રોડ પરની 7 કરોડથી વધુ કિંમતની જમીનનો ખાનગી ઉપયોગ
પોતાની મિલકતોની જાળવણી તેમજ તેનો ઉપયોગ કરી આવક ઉભી કરવામાં જિલ્લા પંચાયતનું તંત્ર કેટલી હદે બેદરકાર છે તેનું ઉદાહરણ હરણી રોડની જમીન છે.
અંદાજે ૧૫ હજાર ફૂટની જમીનનો ઉપયોગ ખાનગી વ્યક્તિ કરવામાં આવી રહ્યો હોવાની જિલ્લા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના શાસન સમયથી રજૂઆતો કરવામાં આવી હતી.
જ્યારે પણ સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠે ત્યારે અધિકારી દ્વારા આ જમીન પર ફેન્સિંગ માટે નિર્ણય લેવામાં આવ્યો છે તેવા જવાબ આપવામાં આવતા હોય છે.પરંતુ ૧૫ વર્ષ દરમિયાન ફેન્સિંગ બની નથી અને અંદાજે ૭ કરોડ ઉપરાંતની જમીન રેઢી પડી રહી છે.
વડોદરા તાલુકા પંચાયત જમીન માગે છે,પણ જિ.પં.જમીન આપતી નથી
જિલ્લા પંચાયત ભાડાની ઉઘરાણી માટે તાલુકા પંચાયતને નોટિસો આપે છે
વડોદરા જિલ્લા પંચાયતના બિલ્ડિંગમાં વડોદરા તાલુકા પંચાયતની કચેરી આવેલી છે.પરંતુ જિલ્લા પંચાયતે રૃ.૩૧ હજાર ભાડું નક્કી કર્યું છે.
વડોદરા તાલુકા પંચાયત દ્વારા લાંબા સમયથી ભાડું માફ કરી તાલુકા પંચાયતની પોતાની કચેરી બનાવવા માટે જિલ્લા પંચાયત સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે.આ અંગે તાલુકા પંચાયત દ્વારા ઠરાવો પણ કરવામાં આવ્યા છે.
પરંતુ જિલ્લા પંચાયત દ્વારા તાલુકા પંચાયતને જમીન ફાળવવામાં આવતી નથી અને ઉપરથી ભાડું વસૂલવા નોટિસ આપવામાં આવતી હોય છે.જિલ્લા પંચાયત ધારે તો આ જમીન રાજ્ય સરકાર સાથે સંકલન કરીને ફાળવી શકે તેમ છે.
જમીનની તપાસ કરવા ગયા ત્યારે ખબર પડી કે કેસ તો જીતી ગયા છીએ
વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની આજવારોડ-બાપોદ વિસ્તારની એક જમીન પર કોઇએ કબજો કર્યો હોવાનો વિવાદ ચાલતો હતો.જેથી પંચાયતના પદાધિકારી દ્વારા અધિકારીને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી.સ્થળ તપાસ બાદ તેમને જાણ થઇ હતી કે આ જમીનનો કેસ જિલ્લા પંચાયત જીતી ગઇ છે.
પથિકભવનના સ્ક્રેપના નાણાં પણ જિ.પં.ને ના મળ્યા
મળતી માહિતી મુજબ,વડોદરા રેલવે સ્ટેશન સામેના પથિક ભવન ગેસ્ટ હાઉસ કોર્પોરેશને પોતાને હસ્તક લઇ લીધું ત્યારબાદ તેના સ્ક્રેપની હરાજી થઇ હતી.જેની રકમ પણ જિલ્લા પંચાયતની આપવામાં આવી નહતી અને શાસકો પણ મૌન રહ્યા હતા.
મિલકતોના સર્વે માટે વારંવાર ઠરાવો થયા,પણ અમલ નથી
વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખ દ્વારા પંચાયતની મિલકતો કેટલી છે અને પંચાયતની આવક વધારવા તેનો ઉપયોગ કઇ રીતે થઇ શકે તેનો સર્વે કરવા માટે વારંવાર ઠરાવો થયા છે.પરંતુ હજી સુધી આ ઠરાવોનો અમલ થયો નથી.
7 કરોડના ખેડૂત ભવનનો પ્રોજેક્ટ પણ કાગળ પર રહ્યો
વડોદરા જિલ્લાના ખેડૂતો તેમની પ્રોડક્ટ સીધી વેચાણ કરી શકે તે હેતુથી હરણી રોડની જિલ્લા પંચાયતની જમીન પર ખેડૂત ભવન બનાવવાનો ૭ કરોડનો પ્રોજેક્ટ કરવાનો હતો.જે માટે બજેટમાં રકમ પણ ફાળવી હતી.પરંતુ આ પ્રોજેક્ટને હજી રાજ્ય સરકારની મંજૂરી નહિ મળતાં માત્ર કાગળ પર જ રહ્યો છે.









