ભારે ઉહાપોહ અને વિવાદના પગલે વડોદરા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસો.ની ચૂંટણી યોજવાની જાહેરાત
વડોદરાઃ ભારે વિવાદ અને ઉહાપોહ બાદ વડોદરા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.આ ચૂંટણી તા.૬ એપ્રિલે યોજાશે.મળતી વિગતો પ્રમાણે આજે એસોસિએશનની કારોબારીની બેઠક યોજવામાં આવી હતી અને તેમાં ઉપરોકત જાહેરાત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, એસોસિએશનના એક સભ્યે દિલ્હી ફૂટબોલ ફેડરેશનને ફરિયાદ કરી હતી અને તેમાં કહ્યું હતું કે, વડોદરા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશના વર્તમાન હોદ્દેદારોએ છેલ્લા ૧૨ વર્ષથી એસોસિએશનની ચૂંટણી યોજી નથી.કેટલાક હોદ્દેદારો તો ખાનગી એકેડમી પણ ચલાવે છે.છેલ્લે ૨૦૧૨-૧૩માં એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી.ઉપરાંત એજીએમ પણ સમયસર યોજાતી નથી.વર્તમાન હોદ્દેદારો બંધારણ વિરુધ્ધ જઈને એસોસિએશનનો વહીવટ ચલાવી રહ્યા છે.
આ ફરિયાદના પગલે વડોદરા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશમાં ખળભળાટ વ્યાપી ગયો હતો.વિવાદ વધતો જોઈને આજે એસોસિએશનની કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં જાહેરાત કરવામાં આવી હતી કે, તા.૬ એપ્રિલે છાણીના પાર્ટી પ્લોટમાં પ્રમુખ, ઉપ પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી તેમજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સહિત ૩૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે.સાથે સાથે આ જ દિવસે એજીએમ પણ યોજાશે.એસોસિએશનના ૮૭૫ જેટલા સભ્યો ચૂંટણીમાં મતદાન કરશે.સવાલ એ છે કે, અત્યાર સુધી આ ચૂંટણી કેમ નથી યોજાઈ અને તેમાં કોને રસ છે?જો આ મુદ્દે વિવાદ ના થયો હોત તો હજી પણ કદાચ ચૂંટણીની તારીખ જાહેર ના થઈ હોત.