આગામી પતંગોત્સવના ઉતરાયણ પર્વ નિમિત્તે પાવડર કાચ પીવડાવેલા દોરા પર પ્રતિબંધ મુકાયો છે. આ અંગે શહેર પોલીસ તંત્ર દોરાને કેટલાક કાચ પીવડાવનાર બે-ચાર કારીગરો પાસેથી દોરા કાચ કબજે કરીને ગુના દાખલ કરી પોલીસ સંતોષ માને છે. આમ છતાં પણ શહેરમાં ચારે બાજુએ પતંગના દોરાને કાચ પીવડાવવાનો ધંધો પૂરજોશમાં ચાલી રહ્યો છે. દોરાને કાચ પીવડાવવાના ચાલતા ધંધામાં પોલીસ તંત્ર સદંતર વામણું પુરવાર થઈ રહ્યું છે. માત્ર બાતમી કે ફરિયાદના આધારે પોલીસ તંત્ર કાર્યવાહી કરે એ પૂરતું નથી.
ઉલ્લેખનીય છે કે, કાચ પીવડાવેલા દોરાથી ઉતરાયણના પતંગોત્સવ પર્વ પ્રસંગે પતંગ રસિયાઓના હાથના આંગળા કપાઈ જવાના અસંખ્ય બનાવો પ્રતિવર્ષ બનતા હોય છે. આ ઉપરાંત અમુલ પક્ષીઓ પણ કાચ પીવડાવેલા દોરાથી કપાઈ જતા મોતના મુખમાં ધકેલાઈ જવાના પણ અનેક બનાવો પ્રતિવર્ષ બનતા રહે છે. આ અંગે પશુ પંખી પ્રેમીઓ દ્વારા આવા મૃત પક્ષીઓની સ્મશાન યાત્રા પણ કાઢીને માનવજાતને દર વર્ષે ઢંઢોળે છે. વૃક્ષો અને તાર પર લટકતા પતંગના દોરામાં પાક ભરાઈ જવાથી કેટલાય પંખીઓ લટકતા પણ જોવા મળે છે. જેમાં કેટલાક પશુ પંખી પ્રેમીઓ દ્વારા જાણ કરાતા ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા આવા પશુ પંખીઓને દોરામાંથી મુક્ત કરીને ખુલ્લા આકાશમાં વિહરવા દે છે. જ્યારે કેટલાય દ્વિ ચક્રી વાહનચાલકોના ગળા આવા દોરાથી કપાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના બનાવ પણ નવા નથી. આ વર્ષે પણ ગળા કપાવાથી ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થયાના બનાવ બની ચૂક્યા છે.
આવા જાતજાતના બનાવોના કારણે અંતે તંત્ર દ્વારા દોરાને કાચનો પાવડર પીવડાવવા સામે મનાઈ ફરમાવી છે. પરિણામે પોલીસ તંત્ર દ્વારા દોરાને કાચ પીવડાવનારા સામે લાલ આંખ કરવાની શરૂ કરી છે. પોલીસ તંત્ર દ્વારા કેટલીક જગ્યાએથી દોરાને કાચ પીવડાવનારાઓ પાસેથી દોરા કબજે કરીને કાચના પાવડરનો નાશ કરવાના પણ બનાવો નોંધાયા છે.
આમ છતાં પણ હજી શહેરના મદન ઝાંપા, પથ્થર ગેટ, નવા બજાર, યાકુતપુરા હનુમાન મંદિર સામે, કારેલીબાગ, ખંડેરાવ માર્કેટ પાછળ, રાજ મહેલ રોડ, તથા વાડી વિસ્તારમાં પણ જાહેર રોડ પર દોરાને કાચ પીવડાવવાનો ધંધો પુર બહારમાં ચાલી રહ્યો છે. આ અંગે પોલીસ તંત્ર દ્વારા સ્પેશિયલ સ્ક્વોડ બનાવીને માત્ર બાતમી અને ફરિયાદના આધારે નહીં પરંતુ શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતા દોરાને અસંખ્ય જગ્યાએ કાચ પીવડાવનારા જાહેર રોડ રસ્તા પર ખુલ્લેઆમ પકડાશે. આવી રેડ કરવાથી પોલીસ તંત્ર દ્વારા માનવજાત સહિત પશુ પંખીઓની પણ મોટી સેવા કરી ગણાશે.
દોરાથી પક્ષીનો જીવ જાય તો બકરા ઈદમાં કપાતા બકરામાં જીવ નથી?: સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિરનાથ
સનાતની પરંપરાથી ઉજવાતા તહેવારો હવે કેવી રીતે ઉજવવા એ તંત્ર નક્કી કરશે?: સનાતની સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષનો સવાલ
સનાતન ધર્મમાં ઉતરાયણ -મકરસંક્રાંતિ, હોળી, ધુળેટી, દિવાળી સહિતના કેટલાક તહેવારો મુખ્ય છે. આ તમામ સનાતની તહેવારો સનાતનની પરંપરા મુજબ દાયકા - સૈકાઓથી ઉજવાય છે. તો શું આવા તહેવારો કેવી રીતે ઉજવવા એ હવે તંત્ર નક્કી કરશે? એવો સણસણતો સવાલ સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષએ કર્યો હતો. સનાતન ધર્મમાં દાયકાઓથી મકરસંક્રાંતિ - ઉતરાયણનું પતંગોત્સવ પર્વ ઉજવાય છે. તેવી જ રીતે દિવાળી- દીપાવલી પર્વ દીપાવલી ને હોળી ધુળેટી પણ સનાતન ધર્મ મુજબ ઉજવાય છે. પરંતુ દિવાળીના તહેવારમાં ફટાકડાથી પ્રદૂષણ ફેલાય છે. હોળી ધુળેટીના તહેવારમાં પણ વાતાવરણ પ્રદૂષિત થાય છે. જેમાં હવે મકરસંક્રાંતિના ઉતરાયણનું પતંગોત્સવ પર્વમાં માંજેલા દોરાથી પશુ પક્ષીઓને ઇજા થવા સહિત ઇજાગ્રસ્ત થાય છે, તેવા બહાના હેઠળ હવે પતંગોત્સવ તહેવારમાં માંજેલા દોરા પર પ્રતિબંધ અને માંજેલા દોરાથી પતંગ નહીં ઉડાડવા તંત્ર દ્વારા કહેવામાં આવે છે. આમ હવે સનાતન ધર્મના તહેવારોની પરંપરાગત રીતે ઉજવણી કરવા અંગે તહેવાર કેવી રીતે ઉજવવો એ શું તંત્ર નક્કી કરશે? એવો સણસણતો સવાલ સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિરનાથે કર્યો છે. આવા તહેવારો સનાતન ધર્મના નીતિ રીતિ મુજબ ઉજવાય છે. હવે આવા તહેવારો કેવી રીતે ઉજવવા એ શું તંત્ર નક્કી કરશે તેવા સવાલ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બકરા ઈદમાં બકરા કપાય છે તો શું બકરામાં જીવ નથી તેમ કહેતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી રીતે સામે તંત્ર કેમ કાંઈ બોલતું નથી. થર્ટી ફર્સ્ટની ઉજવણી કેવી રીતે કરવી એ તંત્ર કેમ નક્કી કરતું નથી એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
આ અંગે તેમણે અંતે ચીમકી આપી હતી કે, સનાતની ધર્મની રીત રસમથી ઉજવાતા તહેવારો પર તરાપ મારવાની કોશિશ બંધ કરવા તંત્રને સલાહ સાથે ચીમકી આપી હતી.
અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ પતંગ સામે અમારો વિરોધ છે પરંતુ સનાતન ધર્મની પરંપરા મુજબના ઉજવાતા તહેવારો સામે તરાપ મારવાની કોશિશ કરવી બંધ કરો તેમ કહ્યું હતું.


